શ્રીલંકા તમામ વિદેશી દેવું ચૂકવવામાં ડિફોલ્ટ થયું
નવી દિલ્હી, મોંઘવારીને કારણે ભયાનક આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકાએ અંતે સહાય ન મળતા તમામ વિદેશી દેવા પર ડિફોલ્ટ સ્વીકારી લીધું છે. ભારતના પાડોશી દેશે તમામ 51 અબજ ડોલરના વિદેશી દેવા પર મંગળવારે ડિફોલ્ટ કર્યું છે.
ઈતિહાસની સૌથી ભયાનક આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ લંકાએ અંતે તેના 51 બિલિયન ડોલરના વિદેશી દેવામાં ડિફોલ્ટ કર્યું હતું અને અત્યંત જરૂરી ચીજવસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હૂંડિયામણ અનામત સમાપ્ત થયા પછી આ પગલાંને “છેલ્લો ઉપાય” ગણાવ્યો હતો.
ભયંકર આર્થિક સ્થિતિને કારણે શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે ગત સપ્તાહે જ વ્યાજદર બમણા કરતા પણ વધુ વધાર્યા છે અને થાપણના દર પણ ડબલ કર્યા હતા. આર્થિક મંદીની સાથે નિયમિત બ્લેકઆઉટ અને જરૂરી ખાદ્યચીજવસ્તુઓ અને ઇંધણની તીવ્ર અછત સામે ઝઝૂમી રહ્યો છે.
શ્રીલંકાના નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશી સરકારો સહિત લેણદારો મંગળવારથી તેમના પર બાકી રહેલ કોઈપણ વ્યાજની ચૂકવણીને કેપિટલાઈઝ કરવા અથવા શ્રીલંકાના રૂપિયામાં ચૂકવણી કરવાનું પસંદ કરવા માટે સ્વતંત્ર છે.
નિવેદનમાં અંતે કહેવામાં આવ્યું છે કે સરકાર દેશની નાણાકીય સ્થિતિને વધુ બગાડતી અટકાવવા માટે માત્ર છેલ્લા ઉપાય તરીકે કટોકટીનાં આ પગલાં લઈ રહી છે.