ચાલુ બસે ઉલટી કરવા જતાં વિદ્યાર્થીનું મોતઃ ડ્રાઈવરે અચાનક બસને વાળતાં માથું દીવાલને અથડાયું
ગાજિયાબાદ, ગાજિયાબાદના મોદીનગરમાં બુધવારે સવારે એક દુઃખદ ઘટના બની હતી. અહીં સ્કૂલ-બસમાં બેઠેલા ચોથા ધોરણના એક બાળકનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ડ્રાઈવરની બેદરકારીને કારણે બની હતી.
રસ્તામાં તેની તબિયત બગડી તો તે બસની બારીમાંથી માથું બહાર કાઢીને ઊલટી કરતો હતો. આ દરમિયાન અચાનક જ ડ્રાઈવરે બસને બેદરકારીથી વળાંક લેતાં બાળકનું માથું લોખંડના ગેટ(એન્ટ્રી ગેટની દીવાલ) સાથે અથડાયું હતું. માર એટલો જોરદાર હતો કે બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દુર્ઘટના પછી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
બુધવારે સવારે સાત વાગ્યે અનુરાગ સ્કૂલ-બસમાં બેસીને જતો હતો. બસ હાપુડ માર્ગ પર પહોંચી તો અચાનક જ અનુરાગને ઊલટી થવાની શરૂ થઈ ગઈ હતી. અનુરાગ બારીમાંથી માથું બહાર કાઢીને ઊલટી કરતો હતો.
આ દરમિયાન ડ્રાઈવરે મોદીપોન પોલીસચોકીની સામે સ્કૂલ તરફ આવતા રોડ પર અચાનક જ બસને ઝડપથી વળાવી હતી. એને કારણે લોખંડન ગેટ સાથે અનુરાગનું માથું ભટકાયું હતું. અનુરાગે જોરથી બૂમ પાડતાં બસ-ડ્રાઈવરે બસને રોકી હતી. જોકે આ ટક્કર જ એટલી જોરદાર હતી કે અનુરાગનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
પુત્રના મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. માતા-પિતા ભાગતાં-ભાગતાં સ્કૂલે પહોંચ્યાં હતાં. તેઓ બાળકનો મૃતદેહ જોઈને જ ભાંગી પડ્યાં હતાં.
વાલીએ ડ્રાઈવરની બેદરકારીનો ગુસ્સો સ્કૂલના પ્રિન્સિપાલ પર ઉતાર્યો હતો અને તેમના પર ચપ્પલ ફેંક્યાં હતાં. આ દરમિયાન બચાવ માટે વચ્ચે પડેલા ટીચર્સને પણ તેમણે માર્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લોકોને સમજાવીને શાંત કર્યા હતા. હાલ પોલીસે પ્રિન્સિપાલને કસ્ટડીમાં લઈ લીધા છે.