Western Times News

Gujarati News

નફરતના બુલડોઝર બંધ કરો પાવર પ્લાન્ટ શરૂ કરો: રાહુલ

નવી દિલ્હી, કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર ચાલું જ છે. ફરી એક વખત તેમણે સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હી અને મધ્ય પ્રદેશના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બુલડોઝરના ઉપયોગ અંગે સરકારની ટીકા કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નફરતના બુલડોઝર બંધ કરવા માટે અને પાવર પ્લાન્ટ શરૂ કરવા માટે અનુરોધ કર્યો છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નફરતના બુલડોઝર બંધ કરવા અને પાવર પ્લાન્ટને ચાલું કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે દેશમાં કોલસાની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો અને એક ખબર શેર કરી અને ખબર શેર કરતા દાવો કર્યો છે કે, દેશમાં પાવર પ્લાન્ટમાં કોલસાના સ્ટોક નીચલા સ્તર પર પહોંચી ગયો છે જેના કારણે વીજળી ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ચિંતા વધી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, 8 વર્ષની મોટી મોટી વાતોના પરિણામ સ્વરૂપે ભારત પાસે માત્ર 8 દિવસનો કોલસાને ભંડાર છે. તેમણે આગળ કહ્યું, મોદીજી મોંઘવારીનો દર વધી રહ્યો છે. વીજ કાપ નાના ઉદ્યોગોને કચડી નાખશે જેનાથી વધુ નોકરીઓ જશે તેથી નફરતના બુલડોઝર બંધ કરો અને પાવર પ્લાન્ટ ચાલું કરો.

કોંગ્રેસે પણ પ્રહાર કરતા જણાવ્યું કે, ગાંધીજીની છાતી પર ગોળીઓ વરસાવ્યા બાદ હવે તેમના દેશની મહાનતા પર બુલડોઝર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ અગાઉ કોંગ્રેસે કહ્યું હતું કે, બુલડોઝરથી માત્ર ઘર નથી તૂટી રહ્યા આપણું સંવિધાન પણ તૂટી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.