Western Times News

Gujarati News

સોનિયા ગાંધીએ પાર્ટીને સંદેશ આપ્યોઃ પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસમાં જાેડાશે

નવીદિલ્હી, કોંગ્રેસમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની ભૂમિકાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસને એક રીતે પ્રશાંત કિશોરનો સાથ મળી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પાર્ટીના નેતાઓ સાથેની બેઠકમાં બધાને કહ્યું કે પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસમાં જાેડાશે અને ૨૦૨૪ની ચૂંટણી માટે રણનીતિ બનાવશે.

છેલ્લા ૪ દિવસથી દરરોજ પ્રશાંત કિશોર સોનિયા ગાંધીના નિવાસસ્થાન ૧૦ જનપથ પર સોનિયા ગાંધી સહિત પાર્ટીના મોટા નેતાઓ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ બેઠક બાદ જ રાહુલ ગાંધી પોતે વિદેશ ચાલ્યા ગયા હતા,કોગ્રેસના દિગ્ગજ નેતા સાથે પ્રશાંત કિશોરની એક વિશેષ બેઠક કરી હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા અને પ્રશાંત કિશોરની હાજરીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાને બંને રાજ્યોમાં કોંગ્રેસની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નોંધનીય છે કે રાહુલ ગાંધીની હાજરીમાં પણ, ૧૦ જનપથ પર આયોજિત મોટા નેતાઓ સાથેની પ્રથમ બેઠકમાં, પ્રશાંત કિશોરે તેમની રજૂઆતમાં તે રાજ્યોમાં અન્ય પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવાની પણ હિમાયત કરી હતી જ્યાં કોંગ્રેસ નબળી છે.

પ્રશાંત કિશોરે તેમની રજૂઆતમાં દેશભરમાં ૩૭૦ થી ૪૦૦ લોકસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવા, બિહાર-યુપી અને ઓડિશામાં પોતાના દમ પર ચૂંટણી લડવા અને તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ગઠબંધન બનાવવાની સલાહ આપી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.