Western Times News

Gujarati News

આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબશે

હોલસેલ ફ્રુટ માર્કેટમાં રોજની ૩૦ ટ્રક સામે માત્ર ૩ ટ્રકનું આગમન

વડોદરા, તાઉતે વાવાઝોડાને પગલે માવઠાની મોકાણ સાથે કુદરતી આપત્તિ જારી રહી હતી . જેના કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

હોલસેલ ફ્રુટ માર્કેટમાં રોજની ૩૦ ટ્રક ભરીને કેરીઓ આવતી હતી. હાલમાં માત્ર ૩ ટ્રક ભરીને કેરીઓ આવી રહી છે. શહેરના સયાજીપુરા હોલસેલ માર્કેટ ખંડેરાવ માર્કેટ સહિત શહેરના વેપારીઓ કેરળથી તોતાપુરી, લાલબાગ, ગોલા, પાયરી, હાફુસ અને દેશી કેરી વિપુલ જથ્થામાં મંગાવે છે આ પ્રમાણે મહારાષ્ટ્રના રત્નાગીરીથી હાફુસ, કેસર, પાયરી, દક્ષિણ ભારતના હૈદરાબાદ-વિજયવાડાથી બદામ અને તોતાપુરી, સૌરાષ્ટ્રથી કેસર, ઉત્તર પ્રદેશથી લંગડો, દશેરી, ચોરસા તેમજ ગુજરાતના વલસાડથી કેસર, લંગડો તોતાપુરી, રાજાપુરી, દાડમિયા કેરી મંગાવે છે.

સૌથી મોંઘી કેરી રત્નાગીરી હાફુસ છે. જે કિલોના હિસાબે નહિં પરંતુ ડઝનના હિસાબે વેચાય છે. ગત વર્ષે જે કેરી રૂ .૧૫૦૦ ના ભાવે ૩ થી ૪ ડઝન મળતી હતી એ કેરી આ વર્ષે ફળની સાઇઝ અને ક્વોલિટી મુજબ રૂ.૨૫૦૦ થી ૪૦૦૦ ના ભાવે મળે છે. કેરળની હાફુસ ગતવર્ષે રૂ.૧૦૦ થી ૧૨૦ ના ભાવે ૧ કિલો મળતી હતી. જેનો ભાવ આ વર્ષે રૂ.૨૦૦ ની આસપાસ રમે છે.

છૂટક માર્કેટમાં હાલમાં બદામ રૂ.૧૨૦ થી ૧૮૦, કેસર રૂ.૨૫૦ થી ૪૦૦, રત્નાગીરી હાફુસ રૂ.૨૫૦ થી ૪૦૦, લાલબાગ રૂ .૧૨૦ થી ૨૦૦, પાયરી રૂ.૨૦૦ થી ૩૦૦ ના ભાવે ફળની સાઇઝ – ક્વોલિટી પ્રમાણે વેચાય છે. કાચી કેરીને પરાળમાં રાખી પકાવવામાં વધુ દિવસો વિતી જાય છે, જેને બદલે છેલ્લા દાયકાથી ચાઇનાથી આવતી કાર્બાઇડ યુક્ત પડીકીથી કેરી પકવવામાં આવે છે. તદુપરાંત કેરી પકવવા માટે એ.સી. હીટ એન્ડ ચિલ્ડ ચેમ્બરનો ઉપયોગ પણ કરાય છે.

તાઉતે વાવાઝોડાના ઝંઝાવાતને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં આંબાના વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને પગલે આ વર્ષે કેરીનો પાક ઘટવા પામ્યો હોઇ ભાવ વધ્યા હોવાનું સર્વેક્ષણ છે.

દેશના વિવિધ વિસ્તારોમાં જાત-જાતની અને ભાત-ભાતની કેરીઓ બારેમાસ ઊતરે છે. જે ઓફ સિઝનમાં મોંઘા ભાવે વેચાય છે. તદુપરાંત કોલ્ડ સ્ટોરેજમાં રાખેલી કેરીઓ પણ શાકભાજી-ફ્રુટ માર્કેટમાં બારેમાસ વેચાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.