મ્યાનમારના નેતા આંગ સાન સુ કીને 5 વર્ષની સજા
નવી દિલ્હી, મ્યાનમારની એક કોર્ટે બુધવારે પદભ્રષ્ટ કરવામાં આવેલા નેતા આંગ સાન સુ કીને (Aung San Suu Kyi) ભ્રષ્ટાચારને લગતા કેસમાં દોષી ઠેરવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ભ્રષ્ટાચાર મામલે દોષી ઠેરવાયા બાદ લોકશાહીના સમર્થક નેતાને 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીને 6,00,000 ડોલર કેશ અને સોનાની લાંચ લેવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે.
સૈન્યશાસિત મ્યાનમારના અધિકારીઓએ શુક્રવારે અપદસ્થ નેતા આંગ સાન સુ કી વિરૂદ્ધ હેલિકોપ્ટર ખરીદી મામલે ભ્રષ્ટાચારના નવા આરોપ પણ દાખલ કર્યા હતા. જો આ તમામ આરોપોમાં આંગ સાન સુ કીને દોષી ઠેરવવામાં આવશે તો તેમાં તેમને 100 વર્ષ કરતાં પણ વધારેની જેલ થઈ શકે છે.
ગત 1 ફેબ્રુઆરીના રોજ થયેલા તખ્તાપલટ બાદથી જ મ્યાનમારમાં ઉથલ-પાથલનો દોર ચાલુ છે. મ્યાનમારની સેનાએ વરિષ્ઠ જનરલ મિંગ આંગ હલિંગના નેતૃત્વમાં સરકારને હટાવીને એક વર્ષ માટે ઈમરજન્સીની જાહેરાત કરી છે. આ દરમિયાન મ્યાનમારે અનેક હિંસક ઘટનાઓનો પણ સામનો કરવો પડ્યો.