Western Times News

Gujarati News

ગુજરાતના વડનગર નજીક બનશે દેશની સૌથી ઉંચી અવકાશ વેધશાળા

ગાંધીનગર, ગુજરાતને વધુ એક વર્લ્ડ ક્લાસ સ્પેસ ઓબ્ઝર્વેટરી અને મનોરંજન ફેસિલિટી મળવા જઈ રહી છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બાદ હવે ભારતની સૌથી ઉંચી અંતરિક્ષ વેધશાળાના નિર્માણ માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ પાસે આશરે 1,041 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્પેસ ઓબ્ઝર્વેટરી અને મનોરંજન ફેસિલિટી તૈયાર કરવામાં આવશે. આ જગ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહનગર વડનગરથી આશરે 5 કિમી દૂર છે અને તેમના સૂચનના આધાર પર આ વેધશાળાનું નિર્માણ થઈ રહ્યું છે.

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ પર સૈદ્ધાંતિક મહોર મારી દીધી છે અને હવે તેને PMO સુધી પહોંચાડવામાં આવ્યો છે જેને ચીનના મકાઉ ટાવરની માફક તૈયાર કરવામાં આવશે.

અધિકારીઓના કહેવા પ્રમાણે આ અત્યાધુનિક વેધશાળા 142 મીટર ઉંચી હશે. અત્યાર સુધી દેશમાં ક્યાંય આટલી ઉંચી ઓબ્ઝર્વેટરી નથી. તે અત્યાધુનિક અને કલાત્મકતાના નમૂના સમાન હશે. ધરોઈમાં આ ઓબ્ઝર્વેટરીની સાથે સાથે સમગ્ર વિસ્તારને એક વિશાળ વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ સેન્ટર તરીકે વિકસાવવાનો ડ્રાફ્ટ રચવામાં આવ્યો છે.

એસ્ટ્રો ટુરિઝમના ઉદ્દેશ્યથી બનનારી આ ઓબ્ઝર્વેટરીમાં ટેલિસ્કોપ ગેલેરી હશે. લોકો 142 મીટર ઉંચી વેધશાળાની છત પરથી આકાશ નિહાળી શકશે. ખુલ્લા વ્યૂ પોઈન્ટ ઉપરાંત સેમી કવર્ડ સિટિંગ ઝોન, લેઝર શો ધરાવતા એમ્ફી થિયેટર, વોટર સ્પોર્ટ્સ ઝોન, આઈલેન્ડ એડવેન્ચર ઝોન, કેફેટેરિયા વગેરે પણ હશે.

ધરોઈ ડેમ પ્રોજેક્ટને એ રીતે તૈયાર કરવામાં આવશે કે દેશના ઉપરાંત વિદેશના ટુરિસ્ટ પણ ત્યાં ઓબ્ઝર્વેટરી ઉપરાંત વડનગરના ઐતિહાસિક વારસા, સંસ્કૃતિ અને અંબાજી મંદિરના ધાર્મિક પર્યટનનો આનંદ લઈ શકશે.

ગુજરાત સરકારે વડનગરને હેરિટેજ સિટી તરીકે વિકસિત કરવાનું કામ શરૂ કરી દીધું છે અને અંબાજી મંદિરને વિશ્વસ્તરીય ધાર્મિક પર્યટન સ્થળનું સ્વરૂપ આપવામાં આવશે. એક મ્યુઝિયમ પણ બનાવાશે. તે સિવાય ધરોઈ ડેમ પર સી-પ્લેન ટર્મિનલનું પણ નિર્માણ કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં વેલનેસ અને પ્રાકૃતિક ચિકિત્સા સ્થળ, પોલો ક્લબ, રિસોર્ટ અને કન્વેંશન સેન્ટર પણ બનાવવામાં આવશે.

આઈલેન્ડ એડવેન્ચર ઝોનમાં 4 અને 5 સ્ટાર રિસોર્ટ બનશે. પાણી પર તરતાં વિલા બનાવવામાં આવશે. એડવેન્ચર થીમ પાર્ક બનશે. ગુફાઓની યાત્રા, આઈલેન્ડના કિનારે હરવા-ફરવાની જગ્યા, ગોલ્ફ-પોલો ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવશે. આ વેધશાળાનો પ્રોજેક્ટ 2 તબક્કામાં તૈયાર કરવામાં આવશે. પહેલા તબક્કામાં 833 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જ્યારે બીજા તબક્કામાં 213 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.