કઠલાલ તાલુકાના ચરેડમા ખાતે કલેકટરની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ
નડિયાદ:ગુરૂવાર-ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ કરવાની નવતર પહેલના ભાગરૂપે કલેકટરશ્રી સુધીર પટેલની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ચરેડ ગામે રાત્રિ સભા યોજાઇ હતી.
આ રાત્રિ સભામાં ગ્રામજનોએ ચેકડેમ બનાવવા, સ્ટ્રીટ લાઇટ, રસ્તા, તેમજ ફીટ ઇન્ડિયા મુવામેન્ટ અંતર્ગત ગામમાં જીમ સેન્ટર ઉભુ કરવાની રજૂઆતો કરી હતી. કલેકટરશ્રી સુધીર પટેલે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ કરવા સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીના હસ્તે વિધવા સહાયના લાભાર્થીઓને મંજૂરીના હૂકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની પાયાની સુવિધાઓની મુખ્ય માંગણીઓ વહેલી તકે ઉકેલાશે તેમ જણાવતા જિલ્લા કલેકટરશ્રી સુધીર પટેલે કેન્દ્ર સરકારની બી.પી.એલ લાભાર્થીઓ માટેની ઉજજવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ લેવા અનુરોધ કરી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઇ તેનો સકારાત્મક ઉપયોગ કરવા જણાવ્યું હતું.
વિવિધ વિભાગના અધિકારીઓએ કેન્દ્ર/રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.
આ રાત્રિ સભામાં પ્રાન્ત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યો તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ અને મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.