Western Times News

Gujarati News

ડોદરાના જાંબુવા બ્રિજ પાસે 5 વાહનો વચ્ચે અકસ્માતઃ બે લોકોનાં મોત

વડોદરા, વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે આજે સવારે બે બાઇક, 2 કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇકસવાર બે લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું.

કમકમાટીભર્યા અકસ્માતને પગલે હાઇવે પરનો ટ્રાફિક-વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પરિણામે, હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી.

આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં એક મૃતક શોભનાબેન રાજેન્દ્ર ભાઈ પ્રજાપતિ (ઉ.45) હોવાનું બહાર આવ્યું છે.

જાંબુવા બ્રિજ પાસે આજે સવારે એક ડમ્પરે બે બાઇકસવારોને અડફેટમાં લીધા હતા. તેની સાથે બે કારચાલકને પણ અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઇક ઉપર પસાર થઇ રહેલાં એક મહિલા, એક પુરુષ સહિત ત્રણ લોકો રોડ પર ફંગોળાઇ ગયા હતા, જેમાં બે લોકોનાં સ્થળ પર મોત થયાં હતાં. વાહનની અડફેટે આવી ગયેલા બાઈકસવારોના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને માંસના લોચા રોડ ઉપર વેરણછેરણ થઈ ગયા હતા. જાંબુવા નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી સતત અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે.

આ બનાવને પગલે વડોદરા સુરત અને સુરતથી વડોદરા તરફ હાઇવે માર્ગ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ ગોઝારી ઘટનામાં પ્રજાપતિ પરિવારના જ બે સભ્ય મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે.

મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જિજ્ઞશ પટેલે જણાવ્યું હતું કે આજે સવારે આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયાં છે અને એ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. મૃતદેહોનો કબજો લઈને એમને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.