બેન્કના કર્મચારીએ ATMમાં લોડ કરવાના 38 લાખ રૂપિયા ચાંઉ કર્યા

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી કેનેરા બેન્કના કર્મચારીએ એટીએમમાં લોડ કરવાના ૩૮.ર૮ લાખ રૂપિયા ચાઉં કરી દીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેન્કના કર્મચારીની કામગીરી કેશિયર પાસેથી રૂપિયા વિડ્રો કરીને તેને એટીએમમાં લોડ કરવાની હતી. કર્મચારીએ માત્ર બે મહિનામાં એટીએમમાં લોડ કરવાના રૂપિયામાં કટકી મારવાનું શરૂ કરી દીધું હતું.
મૂળ ઉત્તરપ્રદેશના મેરઠના અને હાલ મણિનગર ખાતે આવેલા ભાનુ એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપભાઈ શિરોહીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં જિજ્ઞેશ પ્રજાપતિ (રહે. સદગુરુ સાંનિધ્ય, CTM Ahmedabad) વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. સંદીપભાઈ કેનેરા બેન્કના આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે, જેમનું કામ અમદાવાદની તમામ કેનેરા બેન્કનું સુપરવિઝન કરવાનું છે
અમદાવાદમાં કેનરા બેન્કની પ૦ શાખા છે જેમાં એક શાખા અમરાઈવાડી વિસ્તારના હાટકેશ્વરમાં આવેલી રવિ ચેમ્બર્સમાં છે. સંદીપભાઈ આશ્રમરોડ ખાતેની ઓફિસ પર હાજર હતા ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં આવેલી કેનેરા બેન્કના મેનેજર આશિષકુમાર કુરિલે તેમને ફોન કર્યો હતો.
આશિષકુમાર કુરિલે સંદીપભાઈને જણાવ્યું હતું કે અમારી શાખામાં એટીએમમાં પૈસા લોડ કરવામાં આવે છે તેમાં બેન્ક સાથે છેતરપિંડી થઈ હોય તેમ લાગે છે. સંદીપભાઈ તેમના કર્મચારીઓ સાથે અમરાઈવાડીની કેનેરા બેન્કમાં પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. રવિ ચેમ્બરમાં કેનેરા બેન્કનું ATM આવેલું છે ત્યાં જઈને સંદીપભાઈ તેમજ આશિષકુમારે અન્ય કર્મચારીઓ સાથે જઈને તપાસ કરી હતી.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેનેરા બેન્કનો કર્મચારી જિજ્ઞેશ પ્રજાપતિ એટીએમમાં પૈસા લોડ કરવાનું કામ કરે છે અને તેણે ૩૮.ર૯ લાખ રૂપિયાનું ચીટિંગ કર્યું છે. જિજ્ઞેશનું કામ બેન્કના કેશિયર પાસેથી વાઉચરથી રોકડા રૂપિયા લઈને તેને એટીએમમાં લોડ કરવાનું છે
જિજ્ઞેશે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા એટીએમમાં લોડ કર્યા છે જેમાંથી તેણે ૩૮.ર૮ લાખ રૂપિયા ચાઉં કર્યા છે. તા.ર૧ ફેબ્રુઆરી ર૦રરથી ગઈ કાલ સુધી જિજ્ઞેશે એટીએમમાં કરોડો રૂપિયા લોડ કર્યા હતા જેમાં દર વખતે મેન્યુઅલી એન્ટ્રી કરવામાં આવતી હતી.