સ્ત્રીધન-દહેજ લઈ કેન્યા નાસી જનારા પતિને ગુજરાત પોલીસ પરત લાવેઃ સુપ્રીમ

કેન્દ્ર સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલય સાથે ચર્ચા કરી પતિને પરત લાવી અહીં કાર્યવાહી કરવા માટે પોલીસને જરૂરી પગલાં લેવા નિર્દેશ
અમદાવાદ, મહેસાણાના વિસનગરના એક પરિવારની પરિણીતાએ પોલીસ ફરિયાદ દ્વારા આક્ષેપ કર્યો છે કે સ્ત્રીધન અને દહેજની કરોડો રૂપિયાની રકમ લઈ તેનો પતિ વિદેશ નાસી ગયો છે. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા સુપ્રીમે રાજયના ડી.જી.પી.ને હાજર રહેવા નિર્દેશ કર્યો હતો.
કોર્ટે રાજય સરકારને નિર્દેશ કર્યો છે કે પતિને કોઈપણ ભોગે કેન્યાથી પરત લાવવામાં આવે અને તેની સામેની ફોજદારી પ્રક્રિયા આગળ વધારવામાં આવે. કેસની વધુ સુનાવણી ચોથી મે ના રોજ નિયત કરી છે.
કેસની સુનાવણી ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ ક્રિષ્ના મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં પતિના વકીલને રજુઆત કરી હતી કે તેમના અસીલ કેન્યામાં રહે છે તેથી તેમને અહીં લાવવા અને કોર્ટ સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવા માટે સમય આપવામાં આવે.
જાેકે ખંડપીઠે આ માંગણી ફગાવી કહ્યું હતું કે આવી કોઈ માંગણી ધ્યાને લેવામાં આવશે નહી. ગુજરાત પોલીસને આદેશ આપવામાં આવે છે કે પતિને ભારત પરત લાવવા તમામ પગલા લેવામાં આવે, રાજય પોલીસને છુટ છે કે તેઓ કેન્દ્રીય ગૃહ અને વિદેશ મંત્રાલય સાથે ચર્ચા કરી કામગીરી હાથ ધરે અને કેસની તપાસ પણ આગળ વધારે.
આ ઉપરાંત કેન્યા નાસી ગયેલા પતિના વકીલને સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ભારતાં પતિની માલિકીની તમામ સ્થાવર અને જંગમ મિલકત અંગે કોર્ટને માહિતી આપવામાં આવે અને અત્યાર સુધીમાં તેણે પત્નીને કેટલું ભરણપોષણ આપ્યું છે તેની માહિતી પણ આપવામાં આવે. આ કેસમાં પત્નીએ વર્ષ ર૦૧પમાં તેના પતિ અને સાસરિયા સામે માર મારવાની અને દહેજની ફરિયાદ નોંધાવી હતી.
સાસરિયાઓએ પોલીસ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જાેકે હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાની અરજી ફગાવતા હવે સુપ્રીમમાં અપીલ કરાઈ છે. સુપ્રીમમાં અપીલની સુનાવણી દરમિયાન પત્નીના પક્ષે આક્ષેપ કરાયો છે કે તેનો પતિ તેને અને દીકરાને છોડી વિદેશ નાસી ગયો છે અને સાથે સ્ત્રીધન અને દહેજની રકમ પણ લઈને ગયો છે.