ગાંધીનગરઃ ગર્લ્સ હોસ્ટેલના નવમા માળેથી કૂદી MBBSની વિદ્યાર્થિનીનો આપઘાત
ગાંધીનગર, ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય આસ્થા પંચાસર નામની યુવતીએ હોસ્ટેલના ધાબા પરથી મોતની છલાંગ લગાવી મોત વહાલું કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો દોર ચલાવી રહી છે.
ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 20 વર્ષીય આસ્થા સંજયભાઈ પંચાસર મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે બીજા વર્ષની તેની રિપીટરની પરીક્ષા પણ હતી. મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 902માં રહેતી આસ્થાએ આજે સવારના સમયે હોસ્ટેલના ધાબા પરથી મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી લીધું છે.
બનાવની જાણ થતાં અન્ય મેડિકલની સ્ટુડન્ટ્સ સહિતના લોકો દોડીને બહાર આવી ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં સેક્ટર-7 પોલીસ મથકના પીએસઆઈ દીપક પરમાર સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી આવ્યા છે.
આ અંગે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આજે આસ્થાની રિપીટરની પરીક્ષા હતી. ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલ નવ માળની છે. જ્યારે તેનાં માતા-પિતા યુએઈમાં રહે છે.
ગાંધીનગર સેક્ટર-5 બીમાં તેના દાદા વસંતભાઈ અને કાકા કાકી રહે છે. આસ્થા મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. આસ્થાએ NRI ક્વોટામાં એડમિશન લીધું હતું. તેના રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. એમાં માતા-પિતાને સંબોધી લખેલું છે કે મમ્મી-પપ્પા, સોરી, ભણવાના લીધે પગલું ભરું છું. હું જાઉં છું.
હાલમાં મેડિકલમાં તેની સાથે અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે સેક્ટર-5માં રહેતા તેના દાદા વસંતભાઈ અને કાકાને બનાવની જાણ કરાઈ છે. તેઓ આવી જાય પછી તેમની પૂછપરછ કર્યા બાદ વધુ હકીકત જાણવા મળશે. હાલમાં મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.
આ અંગે પીએસઆઇ દીપક પરમારે વધુમાં જણાવ્યું હતું કે આસ્થાનો ગત 14મી એપ્રિલે જન્મદિવસ હતો. તેને બીજા વર્ષની પરીક્ષામાં એટીકેટી આવી હતી. એની તે હાલમાં પરીક્ષા આપી રહી હતી. ગઈકાલે પણ આસ્થાનું પેપર ખરાબ ગયું હતું, જે અંગે તેણે તેના દાદા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રડવા લાગી હતી.