Western Times News

Gujarati News

EDએ જેકલિન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે જેકલિન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની નજરમાં આવી હતી. EDએ જેકલિનની ત્રણવાર પૂછપરછ કરી હતી.

હવે EDએ તેની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ આ કાર્યવાહી ખંડણીના એક કેસમાં કરી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, જપ્ત કરેલી સંપત્તિમાંથી 7.12 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટના રૂપમાં છે. આ કેસમાં ED સહિત અનેક એજન્સીઓ તપાસ કરતી હતી. કહેવાય છે કે જેકલિનની જપ્ત કરેલી સંપત્તિમાં 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ પણ સામેલ છે.

આ પહેલાં 5 ડિસેમ્બર, 2021ના રોજ જેકલિને દેશની બહાર જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે એક્ટ્રેસને મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. EDએ જેકલિન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઇસ્યુ કરી છે.

સુકેશે જેકલિનને 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનના શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી.

આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર તથા 1.8 લાખ ડોલર આપ્યા હતા. સુકેશે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલિનના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા.

જેકલિન પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તે પાસે અંદાજે 74 કરોડની નેટવર્થ છે. તે એક ફિલ્મ માટે અંદાજે 3-4 કરોડ રૂપિયા લે છે. 2019માં તેની વાર્ષિક આવક 9.5 કરોડ રૂપિયા હતી. નવાઈની વાત એ છે કે તે વર્ષે નેટફ્લિક્સ પર ફિલ્મ ‘ડ્રાઇવ’ સ્ટ્રીમ થઈ હતી અને બીજી કોઈ ફિલ્મ રિલીઝ થઈ નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.