શાંઘાઈમાં કોરોનાનો હાહાકારઃ એક મહિનાના કડક લોકડાઉનથી લોકો હિજરત કરવા મજબૂર

શાંઘાઈ, ચીનના શંઘાઈ શહેરમાં કોરોનાના નવા કેસ સામે આવતાં હાહાકાર મચી ગયો છે. સરકારે સંક્રમણને રોકવા માટે લગભગ એક મહિના માટે લોકડાઉનનો વિકલ્પ અપનાવ્યો છે, પરંતુ હવે લોકો આ શહેરમાંથી હિજરત કરવા મજબૂર બની ગયા છે.
સ્થાનિક પેકર્સ અને મૂવર્સની સાથે કેટલીક કાયદાકીય સંસ્થાઓએ હિજરતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન શંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,545 કેસ નોંધાયા હતા. ચીનમાં ગઈકાલે 5659 કેસ નોંધાયા છે અને 52 લોકોના મોત નોંધાયા છે.
ચીનમાં પ્રતિબંધો એટલા કડક છે કે શાંઘાઈમાં લોકો ભૂખે મરી રહ્યા છે. કેટલાંક અઠવાડિયાંથી ઘરોમાં કેદ લોકો પાસે હવે ખાવા-પીવાની વસ્તુઓ ખતમ થઈ ગઈ છે. લોકો તેમની બારીઓમાંથી સૂત્રોચ્ચાર કરીને સરકારની કડક નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ખાવા માટે જેલ જવા પણ તૈયાર છે. ચીનની આર્થિક રાજધાની શંઘાઈમાં 1 માર્ચથી અત્યારસુધીમાં ઓછામાં ઓછા 5 લાખ કેસ નોંધાયા છે.
કોરોનાએ ફરી એકવાર ચીનની મુશ્કેલીઓ વધારી દીધી છે. શુક્રવારે અહીં કોરોનાના 20 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. ચીનના સૌથી મોટા શહેર શંઘાઈમાં 3 અઠવાડિયાં કરતાં વધુ સમયથી લોકડાઉન છે, આ પછી પણ સ્થિતિ ખરાબ છે.
બીજિંગમાં શનિવારથી જાહેર સ્થળોએ પ્રવેશવા માટે તમામ નાગરિકો માટે 48 કલાકનો કોવિડ 19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી.