મોદીને હટાવશો તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત હારશે
નવી દિલ્હી, મહારાષ્ટ્રના રાજકારણ હાલ ભારે ઉથલપાથલ જાેવા મળી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે.
આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપતા દાવો કર્યો કે તેમના દિવંગત પિતા અને શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેએ ૨૦૦૨ના ગોધરા રમખાણો બાદ જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ ઉઠી હતી તે વખતે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમને અડશો નહીં, જાે મોદી જશે તો ગુજરાત જશે.
શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગણી ઉઠી હતી તે સમયે ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહાર વાજપેયી દેશના પ્રધાનમંત્રી હતા. આ દરમિયાન ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી એક રેલીમાં ભાગ લેવા મુંબઈ આવ્યા હતા અને બાળ ઠાકરે સાથે આ જે માગણી ઉઠી હતી તેના પર ચર્ચા પણ થઈ હતી.
આ સાથે તેમણે કહ્યું કે અમે રેલી બાદ વાતચીત કરી રહ્યા હતા. અડવાણીએ કહ્યું કે બાળાસાહેબ સાથે થોડી ચર્ચા કરવી છે ત્યારબાદ હું અને ભાજપના દિગ્ગજ દિવંગત નેતા પ્રમોદ મહાજન જતા રહ્યા. અડવાણીએ મોદી વિશે વાત કરી અને બાળાસાહેબને પૂછ્યું કે મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગણી પર તેઓ શું વિચારે છે. મોદીને તે વખતે પ્રધાનમંત્રી પદનો ચહેરો જાહેર કરાયા નહતા.
ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ‘બાળાસાહેબે કહ્યું કે મોદીને અડશો નહીં. જાે મોદીને હટાવશો તો ભાજપ ગુજરાત હારશે અને તેના કારણે હિન્દુત્વને નુકસાન થશે.’ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ એક વ્યક્તિ તરીકે પીએમ મોદીનું સન્માન કરે છે.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૯માં થયેલી વિધાનસભા ચૂંટણી સુધી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. પરંતુ પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી પદ માટે તડાતડી થઈ અને પછી તો શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લીધી.SSS