Western Times News

Gujarati News

રમતવીરો દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરે તે માટે તમામ સહાય આપવા સરકાર કટીબધ્ધ છે – હર્ષ સંધવી

ગૃહ રાજયકક્ષાના મંત્રીશ્રી હર્ષ સંધવીએ હાઇ પર્ફોમન્સ સેન્ટર, નડિયાદની મુલાકાત લીધી.
રમતવીરો સાથે ચર્ચા કરી તેઓની જરૂરીયાતો અને માંગણીઓની જાણકારી મેળવી

સ્પોર્ટસ સંકુલમાં રહેતા રમતવીરોને કીટ આપી પ્રોત્સાહિત કરાયા પેરા એથ્લેટીક રમતવીરો માટે સરકાર હજુ વધુ સવલતો પુરી પાડવામા આવશે

નડિયાદ સંકુલમાં રહેતા ખેલાડીઓના ભોજન ખર્ચની મર્યાદા વધારાઇ ખેલ મહાકુંભમાં ચાલુ સાલે ૫૫.૫૯ લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે દેશનું શ્રેષ્ઠ સરકારી રમતગમત સંકુલ છે તેમ આજે રમત ગમત સંકુલની મુલાકાતે આવેલ રાજયકક્ષાના ગૃહ, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું. આજે વહેલી સવારે મંત્રીશ્રી હર્ષ સંધવી નડિયાદ મરીડા ભાગોળ ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેકસની મુલાકાતે આવ્યા હતા.

ખેડા જિલ્લા પોલીસ દ્વારા મંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંત્રીશ્રીએ સંકુલમાં આવેલ રમતના મેદાન, ઇન્ડોર રમતના સ્ટેડીયમ, આર્ચરી, સ્વીમીંગ, વોલીબોલ, કરાટે-જૂડો જેવી રમતો રમતા ખેલાડીઓની મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ ખેલાડીઓ સાથે ચર્ચા કરી ખેલાડીઓની જરૂરીયાતો અને માંગણીઓની જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકારના રમત ગમત વિભાગના મોટાભાગના અધિકારીઓ અહિ મુલાકાતે આવ્યા છે. દરેક ગુજરાતીને રમતવીરો પ્રત્યે મોટી અપેક્ષાઓ છે.

તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના રમતમવીરોને પ્રોત્સાહન મળે અને તેઓમા રહેલી શક્તિઓ બહાર આવે એટલા માટે રમગ ગમત વિભાગને ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે. હજુ પણ રાજય સરકાર રમતવીરોને પડતી તકલીફો દૂર કરી તેઓને શ્રેષ્ઠ રહેવા, ખાવાની, કોચની અને સાધનોની સગવડતા પુરી પાડવા કટીબધ્ધ છે. દિવ્યાંગ રમતવીરો માટે પણ સરકાર હજુ વધુ સગવડો ઉભી કરવા વિચારી રહી છે. ખેલ મહાકુંભે ગુજરાતના રમતવીરોને અલગ પ્લેટફોર્મ પુરું પાડયું છે.

તેના કારણે રાજયના રમતવીરો દેશમાં અને વિદેશમાં સારી નામના મેળવી ગુજરાતનું નામ રોશન કરી રહયા છે. વર્ષ ૨૦૦૨ પહેલા ગુજરાતને રમગ ગમત ક્ષેતે ખુબ જ ઓછા પદકો મળતા હતા. પરંતુ વર્ષ ૨૦૨૨ પછી જોઇએ તો આજે એટલા બધા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પદકો આપણા રમતવીરો મેળવી રહયા છે તે ગર્વની વાત છે. ડાંગ થી લઇ છેક કચ્છ સુધી ખેલ મહાકુંભના માધ્યમથી રમતવીરોની ટેલેન્ટને બહાર લાવવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએથી તાલિમ આપવામાં આવે છે. સમગ્ર દેશમાં ગુજરાતના રમતવીરોને શ્રેષ્ઠ પ્રોત્સાહન આપવામાં આવે છે તેમજ તેમની તમામ જરૂરીયાતોને સંતોષવામાં આવે છે.

સારા કોચ, સારા ઇન્ફ્રાસ્ટ્રકચર, સારા સાધનો અને શ્રેષ્ઠ રહેવાની સાથે સાથે અભ્યાસની સગવડો પણ પુરી પાડવામાં આવી રહી છે. નડિયાદ સંકુલમાં રહેતા ખેલાડીઓની દૈનિક ભોજન મર્યાદા રૂા. ૩૬૦/- થી વધારીને રૂા.૪૮૦/- કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૨- ૨૭ની નવી સ્પોર્ટસ પોલીસીની માહિતી આપી હતી. તેઓશ્રીએ સરકારી સંકુલને સાચવવાની પણ ખેલાડીઓને હાકલ કરી હતી. મંત્રીશ્રીએ પદક વિજેતા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે આરજે શ્રી હર્ષીલ સાથે દેશ-વિદેશમાં નામના મેળવનાર રમતવીરોનો વાર્તાલાપ યોજાયો હતો.

જયારે શ્રી પ્રાસુ જૈનએ રાજય સરકારના રમત ગમત વિભાગની વિગતો આપી હતી. કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણએ પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, માતરના ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી, શ્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એસ.પટેલ, રમત ગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સીનીયર કોચશ્રી મનસુખભાઇ, રમત ગમત અધિકારીશ્રી ચૌધરી, વિવિધ રમતોના કોચશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહયા હતા.

જિલ્‍લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.