Western Times News

Gujarati News

કપાસ ભરીને કોસંબા જતી ટ્રકમાં આમોદ નજીક અચાનક આગ લાગતાં દોડધામ

આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ગાડી સાઈડ ઉપર ઉભી કરી દેતાં મોટી જાનહાની અટકી : કપાસ ભરેલી ટ્રકમાં આગ લાગતાં હાઇવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદના બત્રીસી નાળા પાસે કપાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની ના થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.કપાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.તેમજ રોડ ઉપર બળેલાં કપાસનાં ઢગલા જોવા મળતાં હતાં.

અમરેલી જિલ્લાના આટકોટ ગામથી કપાસ ભરીને કોસંબા જતી ટ્રકમાં આમોદના બત્રીસી નાળા પાસે અચાનક આગ લાગી હતી.ટ્રકના ડ્રાઈવરને કંઈક સળગતું હોવાની ગંધ આવતાં તેણે સમય સૂચકતા વાપરી પોતાની ટ્રક રોડની સાઈડ ઉપર ઉભી કરી દીધી હતી.

ત્યારબાદ સ્થાનિક લોકોને મદદ માટે બોલાવતા લોકોએ તુરંત જ સ્થળ ઉપર પહોંચી જઈ બંધ પડેલી સ્થાનિક કાફેનો બોર ચાલુ કરી દઈ પાણીનો મારો ચલાવ્યો હતો.તેમજ આમોદ નગરપાલિકાને પણ જાણ થતાં પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર હિતેશ અસારી પોતાના કર્મચારી અરવિંદ સોલંકી,બબુ બાદશાહ,હિતેન્દ્ર સોલંકી સહિતના કર્મચારી સાથે પાલિકાનું ગટર સાફ કરવાનું જેટકો મશીન લઈને આગ ઓલવવા માટે માટે પહોંચી ગયા હતાં.

અને જેટકો મશીન તેમજ બૉરના પાણીથી કપાસમાં લાગેલી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.સદનસીબે ટ્રકને કોઈ નુકશાન પહોંચ્યું નહોતું પરંતુ ટ્રકમાં રહેલો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો.તેમજ કપાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.અને રોડ ઉપર બળેલાં કપાસના ઢગલા થઈ ગયા હતા.

બત્રીસી નાળા પાસે કપાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં આમોદ પાલિકાને જાણ થતાં પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર હિતેશ અસારી આમોદ પાલિકાના ગટર સાફ કરવાના જેટકો મશીન લઈને પોતાના કર્મચારી સાથે ઉપડી ગયાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાનું ફાયર ફાઈટર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે શુ આમોદ પાલિકા નગરમાં કોઈ મોટી આગની હોનારત સર્જાઈ અને જાનહાની થાય તો જવાબદાર કોણ?તેવો આમોદમાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.