વેકેશનમાં વિદેશ પ્રવાસે જતાં પહેલાં ઓનલાઈન નાણાં જમા કરાવતાં ચેતી જજો
વિદેશ પ્રવાસના નામે પ.ર૬ લાખની છેતરપિંડી કરાઈ- ભેજાબાજે હોટલ અને ફલાઈટ બુકિંગના નામે રૂા.પ.ર૬ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મોબાઈલ પરનો સંપર્ક કાપી નાંખ્યો
બાલાજી હોલીડેઝના નામનું બોગસ ઈન્વોઈસ મોકલી આપ્યું હતું.
વડોદરા, વડોદરા શહેરના બિઝનેસમેન સહિત અન્ય શખ્સને માલદીવની ટૂર પેકેજીસના નામે ગુગલ પરની વેબસાઈટ પરની બાલાજી હોલીડેઝના ભેજાબાજે હોટલ અને ફલાઈટ બુકિંગના નામે રૂપિયા પ.ર૬ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ મોબાઈલ પર સંપર્ક કાપી નાંખી છેતરપિંડી આચરી હોવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા બિઝનેસમેન વશિષ્ઠ મહેન્દ્રભાઈ ઉપાધ્યાયે રજાઓમાં માલદીવની ટૂર પર જવાનું હોય તેઓએ ગૂગલ પર સર્ચ કરતાં માલદીવ ટૂર પેકેજીંગ અંગે બાલાજી હોલીડેઝ ઈન્ડિયા ડોટ.કોમ નામની વેબસાઈટની લીંક ઓપન કરતા ત્યાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા આદિત્ય જૈન નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો.
બાલાજી હોલીડેઝના આદિત્ય જૈને કહ્યું હતું કે, હોટલનું પેકેજ તથા ફલાઈટ ટિકિટ બુકિંગ સહિતનો બે લાખથી વધુ ખર્ચ બતાવ્યો હતો અને હોટલ તેમજ ફલાઈટ બુકિંગ માટે એડવાન્સ પેમેન્ટ કરવાનું કહ્યું હતું જેથી વશિષ્ઠભાઈએ એકસિસ બેંક ખાતામાંથી રૂપિયા પ૦ હજાર તથા અન્ય બેંક ખાતામાંથી રૂપિયા ૧ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ ફલાઈટની ટિકિટ કન્ફર્મેશન માટે રાજેશ પટેલ નામના શખ્સે વશિષ્ઠનો સંપર્ક કર્યો હતો અને રૂપિયાની માંગણી કરી હતી. જાે કે વશિષ્ઠભાઈએ આગ્રહ કર્યો હતો કે, ટિકિટ કન્ફર્મેશન થયા બાદ બાકીનું પેમેન્ટ કરવામાં આવશે જેથી રાજેશ પટેલે ટિકિટ હમણાં જ મોકલું છું તેમ કહી બાલાજી હોલીડેઝના નામનું બોગસ ઈન્વોઈસ મોકલી આપ્યું હતું.
જેની તપાસ કરતા ઈનવોઈસ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. વશિષ્ઠભાઈએ આદિત્ય જૈન અને રાજેશ પટેલનો મોબાઈલ ર સંપર્ક કરતા બંનેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતા તેઓ સાયબર ક્રાઈમનો ભોગ બન્યાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવી હતી.
તેવી જ રીતે ગોત્રી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ભગાભાઈ પ્રજાપતિએ માલદીવ ટૂર માટે ગૂગલ પર સર્ચ કરતા બાલાજી હોલીડેઝની વેબસાઈટ લિંક પર ક્લિક કરતાં જેના પર એક મોબાઈલ નંબર આપેલ તેના પર સંપર્ક કરતા આદિત્ય જૈન નામના શખ્સે હોટલ અને ફલાઈટ ટિકિટ બુકિંગ માટે રૂપિયા ર લાખ ૭૬ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા બાદ તેમને ટિકિટ બુકિંગ કે હોટલ નહિ મળતા
અને મોબાઈલ ફોન પર વારંવાર સંપર્ક કરતા ભેજાબાજે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેતા પોતે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ લઈને બાલાજી હોલિડેઝના બંને ભેજાબાજાે તેમજ અન્ય બે બેંકના ગ્રાહકો વિરુદ્ધ તપાસ આદરી હતી.