ગ્રીષ્માના પરિવારને ભાઈ તરીકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલું વચન આજે પૂર્ણ થયું
પાંચ મહિનાના ટૂંકા ગાળામાં આરોપીને સજા મળવી એ પ્રજાનો સરકાર અને ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ દ્રઢ કરશે – શ્રી હર્ષ સંઘવી
ગ્રીષ્મા પરિવારને વંદન સાથે જ ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે – શ્રી હર્ષ સંઘવી
સુરતના અતિ ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં ગઈકાલે નીચલી કોર્ટે હત્યારા ફેનીલને આરોપી ઘોષિત કરી, આકરામાં આકરી ફાંસીની સજા ફરમાવી હતી. આ સાથે જ ગ્રીષ્માના પરિવારને પૂર્ણ ન્યાય મળ્યાની સંતુષ્ટિ સાથે ન્યાયતંત્ર અને પોલીસતંત્ર પર પ્રજાનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો.
આ તકે રાજ્ય ના ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવી એ ગ્રીષ્માના ઘરે જઈ તેના માતા-પિતા ને વંદન કરી ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી અને હત્યારા ફેનિલને ફાંસીની સજા મળતાં, ગ્રીષ્માને ઝડપી અને યોગ્ય ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
પાંચ મહિના પહેલા સુરતમાં થયેલ ગ્રીષ્માની સરાજાહેર હત્યા બાદ તેને ન્યાય મળે અને ઝડપી ન્યાય મળે તે માટે પરિવાર અને પ્રજાજનોનો સૂર ઉઠ્યો હતો એ વખતે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી એ ,,”ગ્રીષ્માના હત્યારાને ખૂબ જ ઝડપથી ફાંસીની સજા મળશે મળશે” તેવું વચન રાજ્યના ગૃહ મંત્રી તરીકે નહીં પરંતુ ગ્રીષ્માના ભાઈ તરીકે આપ્યું હતું.
આજે એ વચન પૂર્ણ થવાનો પરમ સંતોષ છે તેવું શ્રી હર્ષભાઈએ જણાવ્યું હતું વધુમાં શ્રી હર્ષભાઈ કહ્યું હતું કે “ગુનાહિત માનસિકતા ધરાવતા અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ ગુનેગારોને રાજ્ય સરકારનો કડક સંદેશ છે કે કોઈપણ ગુનેગારને સરકાર, પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર સાથે મળીને કડક માં કડક અને ઝડપી સજા ફટકારશે.
રાજ્યમાં અનેક કેસોમાં રેકોર્ડ બ્રેક ટાઈમમાં ચાર્જશીટ ફાઇલ કરી, ગુનેગારોને ત્વરિત સજા થાય તેવા કિસ્સા બન્યા છે અને આજ રીતે સરકાર ગુનેગારો સામે કામ કરતી રહેશે. ગુનાઈત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોઈ પણ ચમરબંધી ને છોડવામાં આવશે નહીં,
ગુજરાતની શાંતિ અને અને અસ્મિતાને જાળવી રાખવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ રાજ્ય સરકાર કટિબદ્ધ છે”. ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવતા શ્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું “આ નિર્ણય ગુજરાતની તમામ દીકરીઓને ન્યાય અને સુરક્ષા અપાવતો નિર્ણય છે આ સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા બદલ રાજ્યના તમામ પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા”.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતની નીચલી કોર્ટ દ્વારા ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનીલને નીચલી અદાલત દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવતા રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજના તેમના તમામ કાર્યક્રમો રદ્ કરી ગ્રીષ્માના માતા-પિતાને વંદન કરી ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના નિવાસસ્થાન સુરત ખાતે હાજર રહ્યા હતા.