રુપિયાના બદલામાં મુખ્યમંત્રીપદની ઓફરની તપાસ કરવા કોંગ્રેસની માગ

બેલગાવી, કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ તાજેતરમાં જ એવો દાવો કર્યો હતો કે, તેમને ૨,૫૦૦ કરોડ રૂપિયાના બદલામાં મુખ્યમંત્રી પદની ઓફર મળી હતી. આ મામલે કોંગ્રેસે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે.
ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે કેટલાક લોકોએ તેમનો સંપર્ક કરીને કહ્યું હતું કે, જાે તેઓ ૨,૫૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી દે તો તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવી શકાય તેમ છે.
આ મામલે તપાસની માગણી કરી રહેલી કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારના કહેવા પ્રમાણે ભાજપના આનાથી વધારે હજુ કેટલા પુરાવાઓની જરૂર છે.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે જણાવ્યું કે, જ્યારે બાસનગૌડા પાટિલ યતનાલ પાસે બધું જ ઉપલબ્ધ છે તો તેમને (ભાજપને) હજુ કેટલા પુરાવાની જરૂર છે? અમે કોઈનું રાજીનામુ નથી માગી રહ્યા પરંતુ (ભાજપે) પુછવું જાેઈએ કે, કોણે તેમને ૨,૫૦૦ કરોડ રૂપિયાના બદલામાં મુખ્યમંત્રી પદની રજૂઆત કરી હતી.
શિવકુમારે અગાઉ કહ્યું હતું કે, યતનાલ પૂર્વ મંત્રી છે માટે તેમના નિવેદનને નજરઅંદાજ ન કરી શકાય. તેને ગંભીરતાથી લઈને કેસ દાખલ થવો જાેઈએ. કોંગ્રેસ આ મુદ્દે તપાસ થાય તેમ ઈચ્છે છે. આ એક રાષ્ટ્રીય મુદ્દો છે અને દેશમાં તે અંગે ચર્ચા થવી જરૂરી છે.
ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે ગુરૂવારે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન નેતાઓને સાવધ રહેવાની તાકીદ કરતા કહ્યું હતું કે, ‘રાજકારણમાં એક વાત સમજી લો. તમને રાજકારણમાં એવા અનેક ચોર લોકો મળશે જે તમારો સંપર્ક કરીને કહેશે કે તે તમને ટિકિટ અપાવી દેશે.
તમને દિલ્હી લઈ જશે. સોનિયા ગાંધી સાથે મેળાપ કરાવવાની વાત કરશે. જેપી નડ્ડા સાથે મેળાપની વાત કરશે. આવા લોકો મારા જેવાઓ સાથે પણ આ બધું કરી ચુક્યા છે. કેટલાક લોકો દિલ્હીથી મારા પાસે આવ્યા હતા. એવો દાવો કરી રહ્યા હતા કે, તેઓ મને મુખ્યમંત્રી બનાવી દેશે. બસ મારે ૨,૫૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે.’
વિજયપુરાના ધારાસભ્ય યતનાલે બેલગાવી ખાતે કહ્યું હતું કે, હું એક એવો વ્યક્તિ છું જેણે વાજપેયી સરકારમાં અડવાણી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી જેવાઓ સાથે કામ કર્યું છે. મેં તે ઓફર આપનારા લોકોને સવાલ કર્યો હતો કે, તમને લોકોને ખબર પણ છે કે, ૨૫૦૦ કરોડ કેટલા હોય છે. શું કોઈ પોતાના પાસે આટલા રૂપિયા રાખે?
વધુમાં કહ્યું હતું કે, આવા અનેક લોકો ફરી રહ્યા છે માટે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો જાેર પકડી રહી છે તેવા સમયે આ વિવાદ સામે આવ્યો છે.SSS