Western Times News

Gujarati News

નેશનલ, યુનાઈટેડ, ઓરિએન્ટલમાંથી એકને વેચવા કેન્દ્ર સરકારની તૈયારી

નવી દિલ્હી, મહામુસીબતે સરકારે એલઆઈસીનો આઈપીઓ પાર પાડ્યો છે. એલઆઈસીનું જાહેર ભરણું હાલ ખુલ્લું છે અને હવે સરકારની નજર વધુ એક જાહેર ક્ષેત્રની કંપની પર છે. સરકાર હવે ખાનગીકરણની રાહ માટે વીમા સેક્ટર તરફ નજર દોડાવી છે.

મીડિયા અહેવાલ અનુસાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)ના આઈપીઓ બાદ સરકાર આ વર્ષે તેની અન્ય સામાન્ય વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરી શકે છે. સરકાર જાહેર ક્ષેત્રની ૩ સામાન્ય વીમા કંપનીઓ નેશનલ ઈન્શ્યોરન્સ કંપની, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કો અને ઓરીએન્ટલ ઈન્ડિયા ઈન્શ્યોરન્સમાંથી કોઈપણ એકને ખાનગી હાથમાં વેચવાની તૈયારી કરી રહી છે.

નવા નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત બાદ આ ત્રણમાંથી કઈ કંપનીઓને વેચવામાં આવશે તેની ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યાં સુધી એલઆઈસીનું બજાર પરફોર્મન્સ પણ સરકાર અને રોકાણકારોને સમજાઈ જશે.

આ યાદીમાં ટોચના સ્થાને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીનું નામ ચર્ચાઈ રહ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સને રૂ. ૧૪૮૫ કરોડનું નુકસાન થયું હતું, પરંતુ વિવિધ ઈન્શ્યોરન્સ કેટેગરીમાં મજબૂત માર્કેટ શેર અને દેશભરમાં સારી પહોંચને ધ્યાનમાં લઈને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સને સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે કે તે સરકારની ખાનગીકરણ માટેની પ્રથમ પસંદ હોઈ શકે છે.

જાેકે નાણાંકીય વર્ષ ૨૦૨૧માં કંપનીની ખોટ ઘટીને રૂ. ૯૮૫ કરોડ થઈ ગઈ છે, જે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨માં વધુ ઘટવાની શક્યતા છે. અપેક્ષા સેવાઈ રહી છે કે સરકારી થિંક ટેન્ક, નીતિ આયોગ ખાનગીકરણ માટે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સના નામની ભલામણ કરશે.

આ ભલામણ ડિસઇન્વેસ્ટમેન્ટ માટે રચાયેલા સચિવોના કોર ગ્રુપને મોકલવામાં આવશે. જાેકે અહેવાલ અનુસાર સૂત્રોનું કહેવંડ છે કે આ ત્રણમાંથી કઈ કંપનીનું નામ ખાનગીકરણની ભલામણ માટે મોકલવામાં આવશે, તેની હજુ પુષ્ટિ થઈ નથી. મંત્રીઓનું એક જૂથ નક્કી કરશે કે આમાંથી કઈ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકારે નેશનલ ઈન્શ્યોરન્સ કંપની, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કો અને ઓરિએન્ટલ ઈન્ડિયા ઈન્શ્યોરન્સને એક જ વીમા કંપની તરીકે મર્જ કરીને માર્કેટમાં લિસ્ટ કરવાના પ્રસ્તાવ પર વિચાર કર્યો હતો પરંતુ ૨૦૨૦માં સરકારે આ કંપનીઓમાં ૧૨,૪૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને મર્જરનો પ્રસ્તાવ માંડી વાળ્યો હતો. આ નવી યોજના પાછળ સરકારની મનશા હતી કે આ કંપનીઓ સ્વતંત્ર એકમો તરીકે કામ કરીને નફો કમાઈ શકે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.