ડિસેમ્બર ૨૦૨૩ના અંત સુધીમાં રામ મંદિરનું ગર્ભગૃહ ખોલી દેવાશે
અયોધ્યા રામ મંદિરનું ૩૦ ટકા કામ પુરૂં
અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરનુ નિમાર્ણ કાર્ય ચાલુ છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે મંદિરના નિર્માણને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ મીડિયાને જણાવ્યું છે કે, અયોધ્યામાં બની રહેલા રામમંદિરનું નિર્માણકાર્ય ૩૦ ટકા પૂર્ણ થઈ ગયું છે.
જેમાં તેઓના બાંધકામને લઈને પણ માહિતી આપતા કહ્યું હતું કે, મંદિરના પાયાને કોંક્રીટથી તૈયાર કરવામાં આવ્યા છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૩ના અંત સુધીમાં મંદિરનું ગર્ભગૃહ ભક્તો માટે ખોલી દેવામાં આવશે. આ મંદિરમાં પરિક્રમમાં માર્ગ અને ગર્ભગૃહની પૂર્વમાં એક મંડપ તૈયાર કરવામાં આવશે. આગામી સમયમાં મંદિરનું નિર્માણ કાર્ય અને દર્શનનું કામ સાથે-સાથે કરવામાં આવશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેનું સ્વરૂપ એવું હશે કે જે પહેલાં ક્યારેય ન હોતું અને ના ભવિષ્યમાં ક્યારેય હશે. થાંભલાનું કામ પાંચમા તબક્કે પહોંચી ગયું છે અને મંદિરના ગર્ભગૃહનું નિર્માણ જૂન મહિના પછી શરૂ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક દિવસ પહેલાં અયોધ્યા પહોંચ્યા હતા.
તેઓએ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી અને પોતે પોતાના હાથે પથ્થરની શિલા પર રામની મહોર લગાવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે ,ટૂંક સમયમાં જ ગર્ભગૃહનું નિર્માણ અને તેની આસપાસના થાંભલાનું કામ પૂર્ણ કરવામાં આવશે.
મંદિરમાં લગભગ ૪.૭૦ લાખ ઘનફૂટ કોતરવામાં આવેલા પથ્થરની સ્થાપના કરવામાં આવશે. હાલમાં કોતરેલા પથ્થરો અયોધ્યા પહોંચવા લાગ્યા છે. ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે મકરાનાનું સફેદ આરસપહાણનું કોતરકામ શરૂ છે. આ પથ્થરો પણ ટૂંક સમયમાં અયોધ્યા પહોંચી જશે.
જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું કે, ગ્રેનાઈટ સ્ટોનના લગભગ ૧૭૦૦૦ બ્લોક લગાવવામાં આવશે. આ બ્લોક્સ બેંગાલુરૂ અને તેલંગાણાની ખાણોમાંથી આવી રહ્યાં છે. મંદિરનો વિસ્તાર લગભગ ૨.૭ એકર છે અને તેની ફરતે ૮ એકર જમીનમાં લંબચોરસ દિવાલ બનાવવામાં આવશે.