દક્ષિણ ભારતમાં ‘ટોમેટો ફ્લૂ’નું નવું જોખમઃ ૮૦ બાળકો ઝપેટમાં આવ્યા
કેરળ, કેરળમાં કોરોના સાથે હવે ‘ટોમેટો ફ્લૂ’નો નવો ખતરો ઊભો થયો છે. અત્યારસુધીમાં 80થી વધુ બાળકો એની ઝપેટમાં આવી ગયાં છે. નાનાં બાળકો આનો વધુ શિકાર બની રહ્યાં છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો એને રોકવા માટે પગલાં લેવામાં નહીં આવે તો એનું સંક્રમણ ફેલાઈ શકે છે.
ટોમેટો ફ્લૂને લઈને તબીબોમાં હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે કે વાઇરલ તાવ, ચિકનગુનિયા કે ડેન્ગ્યુની આડઅસર તો નથી. આ રોગ માત્ર કેરળના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે.
કેરળનાં પડોશી રાજ્યોમાંથી આવતા લોકોની તપાસ માટે કોઈમ્બતોરમાં મેડિકલ ટીમો તહેનાત કરવામાં આવી છે. કેરળ આવતા લોકોનું તામિલનાડુ-કેરળ સરહદ પર વાલાયર ખાતે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં તપાસ અને સારવાર માટે 24 સભ્યની ટીમ બનાવવામાં આવી છે. એ રાજ્યની આંગણવાડીઓમાં જશે અને પાંચ વર્ષથી નીચેનાં બાળકોની તપાસ કરશે.