Western Times News

Gujarati News

સુરતમાં બીડીનું ઠુઠું નાંખવા બાબતે મહિલાની કરપીણ હત્યા

સુરત : લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા રાની તળાવ ખાતે મોડી રાત્રે મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. બીડીનું ઠુઠું નાખવા બાબતે મહિલાએ યુવકને ઠપકો આપતા તીક્ષ્ણ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળતા લાલગેટ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

સૈયદપુરાના રાની તળાવ માછીવાડ ખાતે રહેતા અનિતાબેન સરવૈયાએ પાડોશમાં રહેતા પક્કી ઉર્ફે નારાયણ નામના યુવકને બીડીનું ઠુઠું નાંખવા બાબતે ઠપકો આપ્યો હતો. ઠપકો આપતા અનિતાબેન અને યુવક વચ્ચે સૌ પ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી.જે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા યુવકે પોતાના ઘરમાંથી તીક્ષ્ણ ચપ્પુ લઇ આવી અનિતાબેનના પેટ અને પીઠના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતાં. જેના કારણે અનિતાબેન જમીન પર ઢળી પડ્‌યા હતાં અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણકારી મળતા લાલગેટ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી. હત્યાની આ ઘટનામાં વચ્ચે છોડાવવા પડેલા અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો.

જેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવાની ફરજ પડી હતી. જ્યારે હત્યારા પક્કી ઉર્ફે નારાયણની પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.