Western Times News

Gujarati News

હોસ્પિટલના ડોકટરની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજ્યાનો આક્ષેપ

ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન દરમિયાન ૩૯ વર્ષીય દર્દીનું મોત-મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર 

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારી તગડી ફી વસુલવા તેમજ મોતનો મલાજાે નહીં જાળવવા જેવા અનેક વિવાદોમાં ઘેરાયેલી શહેરની આશ્કા હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન દરમિયાન ૩૯ વર્ષીય દર્દીનું મોત થતાં ફરીવાર વિવાદોમાં આવી છે.

આ મામલે ગઈકાલે રાત્રે મૃતકના સ્વજનોએ ડોક્ટરની ગંભીર બેદરકારીનો આક્ષેપ કરીને હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામાં આવતા પોલીસને દોડવું પડ્યું હતું. કોરોના કાળ વખતે પણ દર્દીના મોત મામલે એક પરિવારે આશકા હોસ્પિટલમાં આજ રીતે હોબાળો મચાવતા પોલીસે જઈને મામલો શાંત પાડ્યો હતો.

ત્યારે ફરીવાર આશકા હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં પોલીસને દોડી જવું પડ્યું હતું. બનાવની વિગતો મુજબ કુડાસણ ખાતે રહેતા સુરેન્દ્રસિંહ હુકમસિંહ ચૌહાણને પથરીના ઓપરેશન માટે આશકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું ઓપરેશન કર્યા પછી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યા હતા.

રાત્રે હોસ્પિટલમાં હોબાળો મચાવી લાશ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. પરિવારે કથિત આક્ષેપ કરીને કહ્યું હતું કે, પથરીનું ઓપરેશન કરનાર ડો. ગૌરાંગ વાઘેલાની બેદરકારીના કારણે સુરેન્દ્રસિંહનું મૃત્યુ થયું છે. જેમનું મૃત્યુ ૧.૩૦ વાગે ઓપરેશન દરમિયાન થયું હતું અને સાંજે સાત વાગે હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયા હતા.

આ અંગે મૃતક સુરેન્દ્રસિંહનાં સગા કાળુસિંહ ચાવડાએ કથિત આક્ષેપ કરીને કહ્યું હતું કે, અમે પોલીસ ફરિયાદ કરી પણ હજી પોલીસે ફરિયાદ નોંધી નથી. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધીમાં મૃતદેહ સ્વીકારમાં આવશે નહીં ઈન્ફોસિટી પીઆઈ કે આર ડીમરીએ જણાવ્યું હતું કે, પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો હોવાથી મૃતકનું પેનલ ડોકટરો મારફતે અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે તજવીજ કરી છે. એફએસએલની પણ મદદ લેવાઈ છે.

બંનેના રિપૉર્ટ આવે એના આધારે આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોસ્પિટલ ખાતે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.