અરવલ્લી જિલ્લામાં લાયસન્સ ધારકો પાસેથી હથિયારો જમા લેવાની કામગીરી શરૂ થશે

પ્રતિકાત્મક
મોડાસા, આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી મુકત અને શાંતિપૂર્ણ માહોલમાં યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજયના ગૃહવિભાગ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે લાયસન્સ ધારકો પાસેથી હથિયાર જમા લેવાના દરેક જિલ્લા કલેકટરોને આદેશ અપાયો છે.
અરવલ્લી જિલ્લામાં હવે ટુંક સમયમાં લાયસન્સ ધારકો પાસેથી હથિયારો જમા લેવાની કામગીરી શરૂ થશે. જિલ્લાના ૬ તાલુકામાં સ્વરક્ષણ અને પાક રક્ષણ સહિત કુલ ૭૮ર હથિયારો જમા લેવાની તૈયારીઓ શરૂ થઈ છે. ભાજપે યોજનાબધ્ધ પૂર્વ તૈયારી કરી દીધી છે.
બુથ લેવલે પેજ પ્રમુખ સહિતની ભાજપ તરફે વધુ મતદાન થાય તેનું પેપર વર્ક કરી દીધું છે જયારે બીજી તરફ કોંગ્રેસે તડામાર તૈયારી કરી છે. જયારે આપ પાર્ટીએ પુરતી તૈયારી કરી રહી છે. વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં થનાર હોઈ રાજકીય પક્ષોએ ચુંટણીને ધ્યાનમાં રાખી અત્યારથી દાવપેચ શરૂ કર્યા છે.
વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે હથિયાર જમા લેવાના આદેશ સરકારે કર્યા છે. સાબરકાંઠાની ૪ અને અરવલ્લી જિલ્લાની ૩ મળી બંને જિલ્લામાં વિધાનસભાની કુલ ૭ બેઠકો છે તેમાં બે આદિવાસી અનામત અને એક દલીત અનામત તથા ૪ સામાન્ય બેઠકો છે.