Western Times News

Gujarati News

ઉત્તર ગુજરાતમાં લશ્કરી તાલીમ કેન્દ્રની સ્થાપના ૯ વર્ષથી અદ્ધરતાલ

બાયડ, ઉત્તર ગુજરાતમાં ભારતીય લશ્કર દ્વારા સમયાંતરે ભરતી મેળા યોજાય છે. પરંતુ લશ્કરી તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા નથી. જેના કારણે યુવાનો લશ્કરમાં પસંદગી પામી શકતા નથી. વર્ષ-ર૦૧૪માં તાલીમ કેન્દ્રો શરૂ કરવા માટે ગૃહ વિભાગ દ્વારા સાબરકાંઠા અને બનાસકાંઠામાં લશ્કરી તાલીમ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.

પરંતુ છેલ્લા ૯ વર્ષથી તે અદ્વરતાલ છે. યુવાનોમાં લશ્કરમાં જાેડાવા માટેનો જબ્બર જુસ્સો જાેવા મળી રહ્યો છે પરંતુ ખાટલે મોટી ખોડ હોય તેમ ઉત્તર ગુજરાતના યુવાનોને આર્મીની યોગ્ય ટ્રેનિંગ મળતી નથી જેના કારણે સેનામાં જાેડાવા ઈચ્છતા યુવકો પસંદગી ન પામવાથી નાસીપાસ થઈ જતા હોય છ.

રાજય સરકાર દ્વારા ગુજરાતના યુવાનોને લશ્કરમાં જાેડાવા માટે પ્રોત્સાહીત કરવાના આશયે ભરતી થતાં અગાઉ યોગ્ય તાલીમ મળી રહે તે માટે સાબરકાંઠા અને બનાસકાંઠામાં લશ્કરી તાલીમ કેન્દ્ર શરૂ કરવાની ઘોષણા કરાઈ હતી. રાજયના ગૃહ વિભાગ દ્વારા જે તે સમયે ટ્રેનિંગ સેન્ટરની જાહેરાત થતાં લશ્કરમાં જાેડાવા ઈચ્છુક યુવાનોમાં ભારે ઉત્સાહ વ્યાપી ગયો હતો.

પરંતુ ત્યાર પછી કોઈ જ કામગીરી ન થતાં યુવાનોમાં નિરાશા વ્યાપી છે. ઉત્તર ગુજરાતના હજારો યુવાનો મા ભોમની રક્ષા કાજે સરહદ ઉપર આજે તૈનાત છે અને અન્ય વધુ યુવાનો સરહદની સુરક્ષા માટે હરહંમેશ તત્પર છે છતાં ઘરઆંગણે લશ્કરી તાલીમનો અભાવ હોવાથી યુવાનો પસંદગી પામી શકતા નથી.

આ ઉપરાંત સેનામાં પંજાબ રેજીમેન્ટ, જાટ રેજીમેન્ટ, રાજપૂતાણા રેજીમેન્ટ કાર્યરત છે પરંતુ ગુજરાતની કોઈ રેજીમેન્ટ લશ્કરમાં નથી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અસંખ્ય આદિવાસી યુવાનો સેનામાં ફરજ ઉપર તૈનાત છે અને અન્ય યુવાનોને પ્રેરણારૂપ ફરજ બજાવી રહ્યા હોવાથી અસંખ્ય યુવાનો લશ્કરમાં જાેડાવા માટે અપર્યાપ્ત સગવડો વચ્ચે કપરી મહેનત કરતા ગ્રામ્ય વિસ્તારોમાં જાેવા મળે છે ત્યારે ઉત્તર ગુજરાતમાં લશ્કરમાં જાેડાવા ઈચ્છુક યુવાનોને ઘર નજીક લશ્કરી ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવે અને લશ્કરના નિવૃત્ત અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય તાલીમ આપવામાં આવે તો યુવાનોને રોજગારી મળી શકે અને ભારતીય લશ્કરમાં ગુજરાતના ફોજીઓની સંખ્યા વધી શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.