હેસ્ટર બાયોસાયન્સિસનો FY2022નો ચોખ્ખો નફો 14 ટકા વધીને રૂ. 39.48 કરોડ થયો
અમદાવાદ, ભારતની અગ્રણી એનિમલ હેલ્થકેર કંપનીઓમાં સમાવિષ્ટ હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2022ના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2022માં કંપનીએ રૂ. 39.48 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષમાં રૂ. 34.70 કરોડના ચોખ્ખા નફા કરતાં 14 ટકાનો વધારો દર્શાવે છે.
નાણાંકીય વર્ષ 2021માં રૂ. 214.33 કરોડની આવકો સામે નાણાંકીય વર્ષ 2022માં કંપનીએ 10 ટકા વધુ એટલે કે રૂ. 235.01 કરોડની આવકો નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2022 માટે ઈપીએસ રૂ. 46.41 રહી હતી જે ગત નાણાંકીય વર્ષની રૂ. 34.70ની ઈપીએસ કરતાં 14 ટકા વધુ હતી.
કન્સોલિડેટેડ કામગીરીમાં મુખ્યત્વે હેસ્ટર નેપાળના નોંધપાત્ર પ્રદર્શનની અસર જોવા મળી છે. હેસ્ટર નેપાળે નાણાંકીય વર્ષ 2022માં વેચાણમાં 193 ટકાનો વધારો દર્શાવ્યો છે. નાણાંકીય વર્ષ 2021માં રૂ. 0.97 કરોડની ખોટ સામે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 2.29 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
કંપનીને આશા છે કે પીપીઆર વેક્સિનના એફએઓ ટેન્ડર્સ હેઠળ સપ્લાય ચાલુ થયા બાદ આગામી વર્ષ દરમિયાન વેચાણમાં હજુ વધારો જોવા મળી શકે છે. નેપાળનું સ્થાનિક બજાર કંપનીની લાઈવ અને ઈનએક્ટિવેટેડ વેક્સિન માટે તૈયાર થઈ રહ્યું છે.
હેસ્ટર આફ્રિકાને પીપીઆર અને સીબીપીપી વેક્સિનના ઉત્પાદન માટે રેગ્યુલેટરી અપ્રૂવલ્સ મળી છે. આ વેક્સિનનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને ક્વોલિટી પેરામીટર્સને અનુસરી રહ્યું છે. તેના વેચાણની અસર નાણાંકીય વર્ષ 2023માં જોવા મળશે. આ પ્રોજેક્ટ હેસ્ટરને આફ્રિકામાં અગ્રણી કંપની બનાવવામાં મદદ કરશે અને હેસ્ટરના વેચાણ તથા નફામાં ઉમેરો કરવા ઉપરાંત આફ્રિકા ખંડના આર્થિક તથા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
બે વર્ષના ગાળામાં સમગ્ર દેશમાંથી પીપીઆર બીમારીને દૂર કરવા માટે પશુપાલન વિભાગ તરફથી કંપનીને 20 કરોડ ડોઝ સપ્લાય કરવા નેશનલ ટેન્ડર મળ્યું છે. સપ્લાય ઓર્ડર્સ મળવામાં વિલંબ થયો છે અને તે નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળામાં શરૂ થવાની સંભાવના છે.