દેવગઢ બારિયામાં પેટ્રોલ પંપ પર લૂંટનું તરકટ કરનાર મેનેજર સહિત ૪ પકડાયા

દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે આવેલ એસ્સાર કંપનીના અલંકાર પેટ્રોલપંપ પર મેનેજરની ઓફિસમાં અજાણ્યા ઈસમોએ ઘુસી જઈ મેનેજર આબિદ ભાઈ અરબની આંખમાં મરચું નાખી ૧૧૮૪૦૦ની રોકડ તથા ડીવીઆરની લુંટ ચલાવી લુંટારાઓ ફરાર થયા હોવાની ગઈકાલે ઘટના બની હતી. આ લુંટમાં પંપના મેનેજરની સંડોવણીનો ઘટસ્ફોટ થયો હતો.
દેવગઢબારિયા ટાઉન વિસ્તારમાં આવેલ સીસીટીવી કુટેજ ચેક કરી બનાવવાળી જગ્યાની વિઝીટ કરતા તેમજ મેનેજરની ઓફિસની જગ્યા જાેતા અને તેનું બારીકાઈથી નિરીક્ષણ કરતા આંખમાં મરચું નાખ્યું હોય તેમજ લૂંટ થઈ હોય તેવું કાંઈ જણાઈ આવ્યું ન હતું.
લૂંટની આ આખી ઘટના ઉપજાવી કાઢી હોય તેવી શંકા જતાં પોલીસે સૌપ્રથમ અલગ અલગ ટીમો દ્વારા મેનેજર આબિદ અસદ બિન અરબ તથા પેટ્રોલપંપ પર નોકરી કરતા આકાશભાઈ મુકેશભાઈ સંગાડાની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તબકે તો બંને જણા આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતા. પોલીસે પોતાની આગવી તરકીબથી પુછપરછ શરૂ કરતાં જ બંને જણા ભાંગી પડયા હતા.
બંનેએ ગુનાની કબુલાત કરી લીધી હતી. તેઓએ કબુલાત કરતા જણાવ્યું હતું કે, દેવના પેટ્રોલપંપ પર કામ કરતા બળવંતભાઈ સબુરભાઈ સંગાડાએ મેનેજરને વચ્ચે રાખીને રોમી અગ્રવાલ પાસેથી રૂપિયા નવ લાખ ઉછીના લીધા હતા. રોમી અગ્રવાલ તે પૈસાની ઉઘરાણી મેનેજર તેમજ બળવંતભાઈ પાસે કરતા બંને મુંઝાયા હતા.
શુક્રવાર અને શનિવારના કલેકશનના ૧૧.૮૪ લાખ એકઠા થતાં મેનેજર આબિદ અસદબિન અરબ, આકાશભાઈ મુકેશભાઈ સંગાડા તથા સલમાનભાઈ સાકીરભાઈ અરબ એમ ત્રણેય જણાએ મળી સલમાનને લુંટ કરવા સારુ બે માણસો મોટરસાયકલ લઈને આવશે તેઓ ગુન્હાહિત કાવતરું રચી સ્ટોરી બનાવી હતી.