નવીન શાહ હત્યા કેસમાં છ આરોપીઓને આજીવન કેદ
અમદાવાદ, નવનીત પ્રકાશનના માલિક નવીન શાહનું અપહરણ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં ગાંધીનગર કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીકટ જજે ૬ આરોપીને આજીવન કેદની સજા આપી છે. ૫ વર્ષ પહેલાં હત્યા, ખંડણી અને લૂંટના આ બનાવમાં પોલીસે ૬ આરોપીને ઝડપી ચાર્જશીટ ફાઈલ કરી હતી.
ગાંધીનગર એલસીબીની ટીમે ૨૦૧૭માં જીગ્નેશ ઉર્ફ જીગો કિશનભાઈ ભાવસાર, રમેશ મથુરભાઈ પટેલ, શૈલેષ ઉર્ફ એસપી પ્રભુદાસ પટેલ, બંકીમચંદ્ર નરોત્તમ પટેલ, ઉત્પલ જગદીશભાઈ પટેલ અને પરીન જગદીશભાઈ ઠક્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં મૌનિક રમણ પટેલ અને શંકર રાજેન્દ્ર ગોસ્વામી ફરાર હતા.
પોલીસ તપાસમાં આરોપીઓએ નવીનભાઈ શાહનું હરણ કરી ૫ કરોડની ખંડણી ઉઘરાવવા માટે પૂર્વયોજિત કાવતરું ઘડ્યું હતું. જે કાવતરાના ભાગરૂપે આરોપીઓએ યુનિયનના પ્રશ્ને વાત કરવાના બહાને નવીનભાઈને બોલાવી તેઓનું અપહરણ કર્યું હતું.
આરોપીઓએ નવીનભાઈની હત્યા કરી તેઓની સોનાની ચેઇન અને હીરાની વીંટીની લૂંટ ચલાવી તેમજ તેઓની ઓળખ કરે તે તમામ ફોટો આઈડી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
કોર્ટમાં એ પણ દલીલ થઈ હતી કે, આરોપીઓની ગુનાઈત માનસિકતાને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો તે ગંભીર બાબત છે.કોર્ટમાં પોલીસે ટોલટેક્સના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવા કબ્જે લીધા હતા. તમામ સાક્ષી અને પુરાવાના આધારે કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો.ss2kp