રાજસ્થાનથી દારૂનું ખેપ મારતા ધનસુરાના ત્રણ બુટલેગરોને ઇસરી પોલીસે દબોચ્યા
ગુજરાત રાજ્ય સહીત અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂ વેચાણનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેઓને હજુ મૂછના દોરાય ન ફૂટ્યા હોય તેવા લબરમૂછિયા પણ દારૂની ખેપ મારી રહ્યા છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 50 થી વધુ લબરમૂછિયા બુટલેગરો બિન્દાસ્ત સ્થાનિક પોલીસના નાક નીચે નશાનો કારોબાર ચલાવી રહ્યા છે. ઇસરી પોલીસે વૈડી ગામ નજીક ફોર્ડ ફિગો કારમાં 61 હજારના વિદેશી દારૂ સાથે ધનસુરા તાલુકાના રહિયોલ ગામના બે અને ગુજેરી ગામના એક લબરમૂછિયા બુટલેગરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ઇસરી પોલીસે વધુ એક બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે આ ત્રણે બુટલેગરો થોડાક મહિનાથી દારૂ વેચાણ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોવાથી જીલ્લામાં વિદેશી દારૂના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. કેટલાક લગ્નપ્રસંગોમાં દારૂની છોળો ઉડી રહી છે સ્થાનિક બુટલેગરો લગ્નપ્રસંગમાં દારૂની રેલમછેલ કરવા અધીરા બન્યા છે.
ઇસરી PSI વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પ્રોહિબિશનની કામગીરી માટે અંતરિયાળ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથધરાતા ફોર્ડ ફિગો કારમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા પોલીસે વૈડી ગામ નજીક વોચ ગોઠવતા બાતમી આધારિત ફોર્ડ ફિગો કાર (ગાડી નં- GJ 03 CR 6801) પસાર થતા અટકાવી કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ-ક્વાંટરીયા નંગ-360 કીં.રૂ.61200/- નો જથ્થો જપ્ત કરી કારમાં રહેલા ત્રણ લબરમૂછિયા બુટલેગરોને દબોચી લઇ વિદેશી દારૂ, ત્રણ મોબાઈલ અને કાર મળી 3.67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
રહિયોલના બે અને ગુજેરીના એક લબરમૂછિયા બુટલેગરના નામ
1)કિરણ મંગલદાસ પરમાર (રહે,રહિયોલ-ધનસુરા)
2)દશરથ અરવિંદ પરમાર (રહે, રહીયોલ-ધનસુરા)
3)સુનિલ અમરત તરાર (રહે, ગુજેરી-ધનસુરા)
દિલીપ પુરોહિત. બાયડ