એશિયન ગ્રેનિટોનો FY2022નો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 60 ટકા વધીને રૂ. 91.8 કરોડ થયો
નાણાંકીય વર્ષ 2022 માટે કંપનીએ સાત ટકા એટલે કે શેરદીઠ રૂ. 0.70ના ડિવિડન્ડની ભલામણ કરી
અમદાવાદ, દેશમાં સૌથી મોટી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) નાણાંકીય વર્ષ 2022માં ઉત્કૃષ્ટ નાણાંકીય પ્રદર્શન નોંધાવ્યું છે. નોંધપાત્ર વોલ્યુમ ગ્રોથ અને સારા રિયલાઈઝેશનના પગલે કંપનીએ માર્ચ, 2022ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વેચાણો, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
કંપનીએ જીવીટી ટાઈલ્સ, સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ સહિતના વેલ્યુ એડેડ લક્ઝરી સરફેસીસ અને બાથવેર સેગમેન્ટમાં વિસ્તરણ માટે ભંડોળ મેળવવા રૂ. 440.96 કરોડના રાઈટ્સ ઈશ્યૂ સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2021-22 માટે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા પ્રત્યેક શેર પર સાત ટકા એટલે કે શેરદીઠ રૂ. 0.70 ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
નાણાંકીય વર્ષ 2022 માટે કંપનીએ રૂ. 1,563.8 કરોડના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા છે જે ગત નાણાંકીય વર્ષ માટે રૂ. 1,292.3 કરોડના ચોખ્ખા વેચાણો કરતાં 21 ટકા વધુ હતા. માર્ચ, 2022ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે એબિટા રૂ. 124.6 કરોડ (એબિટા માર્જિન 8 ટકા) હતી. નાણાંકીય વર્ષ 2022 માટે ચોખ્ખો નફો રૂ. 91.8 કરોડ (ચોખ્ખા નફાનું માર્જિન 5.9 ટકા) રહ્યો હતો જે ગત નાણાંકીય વર્ષમાં રૂ. 57.2 કરોડના ચોખ્ખા નફા કરતાં 60.5 ટકા વધુ હતો (ચોખ્ખા નફાનું માર્જિન 4.4 ટકા). નાણાંકીય વર્ષ માટે નિકાસો રૂ. 204.9 કરોડ રહી હતી.
કંપનીના પરિણામો અને નાણાંકીય પ્રદર્શન અંગે ટિપ્પણી કરતાં એજીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નોંધપાત્ર વોલ્યુમ ગ્રોથ અને સારા રિયલાઈઝેશનના લીધે કંપનીએ માર્ચ, 2022ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે સર્વોચ્ચ વાર્ષિક વેચાણો અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
વધી ગયેલી પડતર કિંમતો પાસ કરવા માટે ઉત્કૃષ્ટ પ્રોડક્ટ મિક્સ અને વ્યૂહરચનાના લીધે કંપની સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં તેનો બજાર હિસ્સો તથા હાજરી મજબૂત બનાવી શકી હતી. સિરામિક ઉદ્યોગે નાણાંકીય વર્ષ 2022માં ગેસની કિંમતો, કાચા માલસામન, કોલસાની કિંમતો તથા આંતરરાષ્ટ્રીય નૂર દરો વગેરે જેવી ઈનપુટ કોસ્ટ પર ભારે દબાણ અનુભવ્યું છે.
આટલા પડકારો છતાં કંપની વૃદ્ધિ પથ પર આગળ વધી રહી છે અને ચોથા ત્રિમાસિક ગાળા અને સમગ્ર નાણાંકીય વર્ષ 2022 માટે સારા આંકડા જાહેર કર્યા છે. સ્ટેન્ડઅલોન ધોરણે દેવા મુક્ત બનવાના લક્ષ્યને હાંસલ કર્યા બાદ કંપની હવે કન્સોલિડેટેડ ધોરણે દેવા મુક્ત બનવાના હવે પછીના લક્ષ્ય પર આગળ વધી રહી છે.