બાપુનગર અગરબત્તીની ફેક્ટરીમાં સવારે આગ લાગી
અમદાવાદ : આજે વહેલી સવારે બાપુનગરમાં આવેલી એક અગરબત્તીની દુકાનમાં મોટી આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત જ બે ગાડીઓ સાથે ફાયરનાં જવાનો પહોંચી ગયા હતા અને મોટી જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની વિગત એવી છે કે બાપુનગર ચાર રસ્તા ઊપર ભાવનગરી સ્વીટ માર્ટ નામની દુકાનની બાજુમાં જ એક અગરબત્તી બનાવવાની ફેક્ટરી આવેલી છે. આજે વહેલી સવારે બંધ ફેક્ટરીમાંથી ધુમાડા નીકળતાં જાઈ સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાથી તે ફેલાવાનો સંભવ હોઈ ઘટનાની ગંભીરતા સમજી ફાયર બ્રિગેડની બે ગાડીઓ તુરંત જ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી અને બાપુનગર ખાતે પહોંચીને તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. જેથી બે કલાકની જહેમત બાદ ફેક્ટરીમાં લાગેલી આગ ઊપર કાબુ મેળવી શકાયો છે.
પ્રાથમિક વિગતો મુજબ બંધ ફેક્ટરીમાં આશરે સવારે ૬ વાગ્યે આગ લાગી હતી. જેની ઊપર એક સ્થાનિક વ્યક્તિનું ધ્યાન પડ્યું હતું. જેણે કંટ્રોલરૂમમાં ફોન કર્યાે હતો. ફેક્ટરીમાં આગની જાણ થતાં દુકાનનાં માલીક પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ આગમાં કોઈ જાનહાની ન થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો છે. જા કે માલિકનાં જણાવ્યાનુસાર આશરે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
વહેલી સવારની આગ શોર્ટ સર્કીટનાં કારણે લાગી હોવાનું ફાયર બ્રિગેડનું અનુમાન છે. જા કે સંપૂર્ણ તપાસ બાદ જ ખરું કારણ જાણવા મળશે. આગની જાણ થતાં આસપાસનાં રહીશો પણ જાગી ગયા હતાં અને દુકાનની આસપાસ ટોળે વળ્યા હતાં.