Western Times News

Gujarati News

નારણપુરામાં 632 કરોડના ખર્ચે તૈયાર થનારા ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહુર્ત

ગાંધીનગર લોકસભા મત વિસ્તારને દેશનો સૌથી વધુ વિકસીત મત વિસ્તાર બનાવવાની પ્રતિબદ્ધતા

3 વર્ષોમાં 8613 કરોડ ના વિકાસ કામો પૂરા કર્યા-કેન્દ્રીય રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યકક્ષાના રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંધવીની પ્રેરક ઉપસ્થિતિ

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગુજરાત અને ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અનેકગણું મજબૂત બનાવશે :- કેન્દ્રીય રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર:-

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂપિયા 624 કરોડના ખર્ચે નિર્માણ થનારા અતિઆધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુર્હત કરતા સમગ્ર ગાંધીનગરના સંસદીય મતવિસ્તારને ૨૦૨૪ સુધીમાં દેશનું સૌથી વધુ વિકસિત અને રમતગમત સહિતની સર્વાંગી સુવિધાથી સમૃદ્ધ મતવિસ્તાર બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું કે, તેમના સંસદીય મતવિસ્તારમાં  આવતી આ નારણપુરાની જમીન વર્ષોથી એમને એમ પડી  હતી. તે અંગે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અહી રમત ગમતનું અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ ઊભુ કરી યુવા ખેલાડીઓને તક આપવા કરેલી રજૂઆતનો પ્રધાનમંત્રીશ્રીએ તાત્કાલિક પ્રતિભાવ આપીને રૂપિયા 600 કરોડ મંજૂર કર્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ રમત ગમત સંકુલ આવનારા ૩૦ મહિનામાં સમય બદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે તેઓ જાતે તેની સમગ્ર કામગીરીનું મોનિટરીંગ કરશે અને પ્રધાનમંત્રીશ્રીના હસ્તે આ સંકુલનું લોકાર્પણ કરાશે.

સમગ્ર ગાંધીનગર મતવિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 8676 કરોડના વિકાસ કામો પૂર્ણ થયા છે તેની વિગતો તેમણે  આ અવસરે આપી હતી.

તેમણે કહ્યું કે, છેલ્લા 3 વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં રૂપિયા 8613 કરોડના વિકાસકાર્યો કરવામાં આવ્યા જેમાં ઘાટલોડીયા વિધાનસભા રૂપિયા ૧૯૮૪ કરોડ, નારણપુરા વિધાનસભામાં રૂપિયા ૧૩૦૩ કરોડ, વેજલપુર વિધાનસભામાં રૂપિયા ૫૬૧ કરોડ, સાબરમતી વિધાનસભામાં રૂપિયા ૬૩૪ કરોડ, સાણંદ વિધાનસભામાં રૂપિયા ૮૦૦ કરોડ, ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં રૂપિયા  ૨૮૦૦ કરોડ, કલોલ વિધાનસભામાં રૂપિયા ૫૩૧ કરોડનો સમાવેશ થાય છે.

કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરતા શ્રી અમીતભાઈ શાહે જણાવ્યું હતું કે, આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર, એલિસબ્રિજ સહિતના વિસ્તારોની મેદાન વિનાની સ્કૂલોના બાળકો માટે વરદાનરૂપ બનશે આવનારા દિવસોમાં આ સંકુલમાં બાળકો આવીને રમતો રમી શકશે એટલું જ નહિં  ઓલિમ્પિક રમતો માં ભાગ લઈ શકે તેવા પ્રતિભા કૌશલ્ય વાન ખેલાડીઓ પણ અહીં તૈયાર થશે.

આ પ્રસંગે કેન્દ્રિય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રી નિશીથ પ્રમાણિક, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,  આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સના ખેલાડીઓ તથા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ સુવિધા મળી શકે તે હેતુથી અમદાવાદ શહેરની  મધ્યમમાં આ કોમ્પ્લેક્ષની જગ્યા પસંદગી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની રમતો સાથે-સાથે પ્રાદેશિક રમત-ગમતોને પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરવામાં આવેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને મુખ્ય ૬ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં એક્વાટિક કોમ્પ્લેક્ષ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ, ફિટ ઇન્ડિયા ઝોન તેમજ આઉડ ડોર સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે.

શ્રી અમિતભાઈ શાહે કહ્યું કે આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બાબતે ભારત સરકારના રમતગમત મંત્રાલયનો અને ખાસ કરીને મંત્રીશ્રી અનુરાગ ઠાકુરનો હૃદયપૂર્વક આભાર માનું છું.

અમદાવાદને રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એ અનેક પ્રયાસો કર્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

શ્રી અમિતભાઈ શાહે કહ્યું કે, ગુજરાત લશ્કર અને રમતગમતની બાબતમાં મેણા સાંભળતું આવ્યું હતું કે વેપારી લોકો અને દાળભાત ખાનારા લોકો છે, પણ આજે મોદી સાહેબના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશમાં રમતગમત ક્ષેત્રે ટોપ ટેનમાં આવી ગયું છે અને લશ્કરમાં પણ ગુજરાતની એક પણ જગ્યા ખાલી નથી.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થકી રમતવીરોને એક મંચ મળશે, સુવિધા મળશે તેના પરિણામે ગુજરાત સ્પોર્ટ્સમાં પણ નંબર વન બની જશે એવો વિશ્વાસ  વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત એક સુરક્ષિત, સમૃદ્ધ , શિક્ષિત અને ગૌરવશાળી દેશ બન્યો છે. આઠ વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં ભારત દુનિયાની દૃષ્ટિએ ખૂબ આગળ વધી ગયું છે.

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તેમજ તેની બાજુમાં નદીના તટમાં તૈયાર થઇ રહેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તેમજ આ નારણપુરાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થઈ જશે એ પછી શહેરમાં બીજા ત્રણ સ્પોર્ટ્સ સંકુલો અમપણ નિર્માણ કરીને અમદાવાદને ઓલિમ્પિકની યજમાની કરવા સક્ષમ બનાવવાની અમારી નેમ છે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રિય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે, રૂપિયા ૬૩૨ કરોડના ખર્ચે બનવા જઇ રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો શિલાન્યાસ એ એક ઐતિહાસિક ક્ષણ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહની કલ્પનાશક્તિ અને દુરંદેશીપણાના ફળસ્વરૂપે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગુજરાત અને ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અનેકગણું મજબૂત બનાવશે, જેનો લાભ રાજ્યના લાખો રમતવીરોને થશે.

નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, જાહેર જનતા માટે પણ ફિટનેસ અને સ્પોર્ટ્સની તમામ સુવિધાઓ આ કોમ્પ્લેક્ષમાં ઉપલબ્ધ હશે.વિશ્વકક્ષાની સુવિધાઓથી સભર આ કોમ્પ્લેક્ષ ભવિષ્યમાં ઓલિમ્પિક કક્ષાની ઇવેન્ટ્સ નું આયોજક અને સહભાગી બની શકે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના કેટલાય ખેલાડીઓ ઓલમ્પિક અને પેરાલિમ્પિક  ક્ષેત્રે પોતાનું ખમીર બતાવી ચુક્યા છે. ભાવીનીબેન પટેલ, સરિતા ગાયકવાડ, માના પટેલ, સોનલ પટેલ, પારુલ પરમાર, અંકિતા રૈના જેવા કેટલાય સફળ ખેલાડીઓ ગુજરાતએ આપ્યા છે અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થકી આ ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ મળી રહેશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે “ખેલો ઇન્ડિયા” જેવું એક સફળ રમતગમત પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે “ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ” અને “ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ” દેશભરના ખેલાડીઓની પ્રતિભાને આગવી ઓળખ આપે છે.

આજે ભારતના રમતવીરો ટોક્યો ઓલિમ્પિક, પેરાલિમ્પિક , થોમસ કપ, વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારત માટે મેડલ જીતી રહ્યા છે જે સરકારની સમતગમત ક્ષેત્રેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ગુજરાતી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રિરંગાનું નામ રોશન કરવા માટે તૈયાર કરશે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સ્પોર્ટસ બજેટ પેહલા જે ૧૨૦૦ કરોડ હતું તે હવે ૩૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયાનું ગતવર્ષનું બજેટ ૬૩૦ કરોડ હતું જે આ વર્ષે વધારીને ૯૭૦ કરોડ કર્યું છે.

આમ, સરકારના ખેલ ક્ષેત્રેના આવા નિરંતર પ્રયાસો સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુને વધુ મજબૂત કરશે અને ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલ ક્ષેત્રે  વધુને વધુ મજબૂત બનાવશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આજે ગુજરાતના ખેલકૂદ પ્રેમીઓ માટે આનંદનો અવસર છે. કેમ કે ગુજરાતના સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમમાં આજે એક નવું પીછું ઉમેરાઈ રહ્યું છે.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂપિયા 632 કરોડના ખર્ચે તૈયાર થનારા ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને કારણે દેશના અને રાજ્યના સ્પોર્ટ કલ્ચરને નવી દિશા મળવાની છે. ઓલમ્પિક કક્ષાની ગેમનું આયોજન થઇ શકે એ પ્રકારનું આ સ્પોર્ટસ સેન્ટર તૈયાર થવા જઈ રહ્યું છે.

આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એક્વાટિક કોમ્પ્લેક્ષ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ, ફિટ ઇન્ડિયા ઝોન તેમજ આઉડ ડોર સ્પોર્ટ્સ જેવી તમામ પ્રકારની સુવિધાઓ ખેલાડીઓને મળવાની છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભ અંગે વાત કરતાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૦માં પ્રારંભ કરેલો ખેલ મહાકુંભ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયો છે. આજે ખેલ મહાકુંભ એ ખેલો ઇન્ડિયા બની ગયું છે.

તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને  રમતગમતની વિવિધ યોજનાઓ થકી પણ સહાય આપવામાં આવી રહી છે.

આ અવસરે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2002 પહેલા રમતગમત ક્ષેત્રનું બજેટ માત્ર રૂપિયા 2.50 કરોડ હતું. જ્યારે આજે ગુજરાતની ગણના દેશના રમતગમત ક્ષેત્રવાળા 10 મહત્વના રાજ્યોમાં થવા લાગી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌ પ્રથમ યુવાનો માટે ખેલમહાકુંભ શરૂ કર્યો હતો. આ વર્ષે ૨૦૨૨માં રાજ્યના 56 લાખ જેટલા યુવાનોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો.

રાજ્ય સરકાર દ્વારા યુવાનો રમતગમત ક્ષેત્રમાં આગળ વધે તે હેતુથી નવી સ્પોર્ટ્સ પોલીસી લાવવામાં આવી છે એને તેમણે વધુના ઉમેર્યું હતું.

તેમણે વધુમાં  કહ્યું કે, શ્રી અમિતભાઇ શાહના પ્રયાસોથી ગુજરાતના રમતવીરો માટે અહીં વૈશ્વિક કક્ષાનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બનવા જઈ રહ્યું છે ત્યારે હું રાજ્યના યુવાનો વતી તેમનો આભાર વ્યક્ત કરી રહ્યો છું.

આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી રમતગમત શ્રી નિશિથ પ્રમાણિક, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, તથા સર્વે સાંસદસભ્યશ્રીઓ, સર્વે ધારાસભ્યશ્રીઓ, રમતગમત વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમાર, કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહેરા તેમજ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા ભાજપાના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

****

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે અમદાવાદના નારણપૂરા વિસ્તારમાં ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું જે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તે કોમ્પેલક્ષની મુખ્ય ખાસિયતો નીચે મુજબની છે.

એક્વાટિક  કોમ્પ્લેક્ષ – આ સ્વિમિંગ પૂલની સાઈઝ FINA દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેનો ડાઇવિંગ પુલ તેમજ આર્ટિસ્ટક તથા વોટરપોલો તરીકે ઉપયોગ થઈ શકશે. પ્રેક્ષક ગેલેરી અંદાજિત ૧૫૦૦ પ્રેક્ષકોની છે.

કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર – આ સેન્ટરમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ, સ્નુકર અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે તેવો મલ્ટિપર્પઝ હોલ બનનાર છે.

સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ – આ સેન્ટર ઓફ એક્સેલન્સમાં 42 મીટર * 24 મીટરના મુખ્ય 2 હોલ બનશે, જેમાં 2 બાસ્કેટ બોલ કોર્ટ, 2 વોલિબોલ કોર્ટ અથવા 8 બેડમિન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઇ શકશે. આ હોલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ઉપરોક્ત જણાવેલી રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા પણ યોજી શકાશે. આ સેન્ટરના મલ્ટિસ્પોર્ટ્સ હોલમાં 4 ટેકવાન્ડો કોર્ટ અથવા 4 કબડ્ડી કોર્ટ અથવા 4 રેસલિંગ તેમજ 12 ટેબલ ટેનિસ મેચ એક જ સમયે યોજી શકાશે.

આ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું 1 સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર, ચેન્જ રૂમ, લોકર્સ, ઇક્વિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વિડિયો ફેસિલિટી સાથેનો ટ્રેનિંગ રૂમ, વહીવટી ઓફિસ પણ બનનાર છે. ઉપરાંત આ સેન્ટરમાં કોચ માટે 8 ડબલ બેડ રૂમ, ખેલાડીઓ માટે 89 ટ્રીપલ બેડ રૂમ તેમજ 150 કોપોરેટ માટેના ડાઇનિંગ હોલનો સમાવેશ થાય છે.

ઇન્ડોર મલ્ટિ સ્પોર્ટ્સ અરેના – સદર અરેનામાં 80 મીટર * 40 મીટર સાઇઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટનું આયોજન થઇ શકશે. આમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેલબોલ કોર્ટ, 4 વોલિબોલ કોર્ટ અને 4 જિમ્નેસ્ટીક મેટનો સમાવેશ થાય છે. તદઉપરાંત, આમાં ટાઇકવોન્ડો કુસ્તી અને ટેબલ ટેનિસ માટે ટ્રેનિંગના હેતુ માટે મલ્ટિપર્પઝ હોલની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એક સાથે 5200 પ્રેક્ષકો મેચ નિહાળી શકે, તે મુજબનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમાં વોર્મ-અપ એરિયા, ખેલાડીઓ, જજીસ, કોચ, રેફરી અને વી.આઇ.પી. માટે લોન્જ એરિયા, સેન્ટ્રલ એડમિન ઓફિસ, સ્પોર્ટ્સ ફેડરેશન માટેની રૂમ, ડોપિંગ એરિયા, મેડિકલ સર્વિસ સ્ટેશન, મીડિયા રૂમ, કોલ રૂમ ઉપરાંત મીડિયા અને અન્ય ટેક્નિકલ ઓપરેશન સુવિધા સાથેના રૂમની પણ વ્યવસ્થા કરી છે.

ફિટ ઇન્ડિયા ઝોન – આ ઝોનમાં સિનિયર સિટિઝન માટે સીટિંગ એરિયા, સ્કેટિંગ રિંક, કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન અને જોગિંગ ટ્રેકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આઉટ ડોર સ્પોર્ટ્સ – આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આઉટ ડોર સ્પોર્ટ્સ માટે 6 ટેનિસ કોર્ટ, 1 બોસ્કેટબોલ કોર્ટ, 1 વોલિબોલ કોર્ટનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત 850 ટુ-વ્હિલર અને 800 ફોર –વ્હિલરના પાર્કિગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.