Western Times News

Gujarati News

અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે પોલીસના રહેણાક અને બિનરહેણાક આવાસ તથા એકતા ગ્રાઉન્ડનું લોકાર્પણ

રાજ્યસરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રી પ્રદીપભાઈ પરમારની ઉપસ્થિતીમાં યોજાયો પોલીસ આવાસ અને એકતા ગ્રાઉન્ડના લોકાર્પણનો કાર્યક્રમ.

એકતા ગ્રાઉન્ડમાં ઓલમ્પિક સુધીની સ્પર્ધાઓની તૈયારી કરી યુવાનો વસંત-રજબની મૈત્રીને વિશ્વસ્તરે લઈ જશે.

અમદાવાદ શહેરના હાર્દ સમા વિસ્તાર ગાયકવાડ હવેલી ખાતે પોલીસના રહેણાંક અને બિનરહેણાંક આવાસો તથા એકતા ગ્રાઉન્ડના લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાંવિવિધ જિલ્લાઓમાં નિર્મિત પોલીસ રહેણાક અને બિનરહેણાક આવાસ સહિતના પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ જિલ્લાની જેમ અમદાવાદના ગાયકવાડ હવેલી પરિસરમાં જિલ્લા કક્ષાએ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયું હતું.

ગાયકવાડ હવેલી ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ સિવાય અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી કિરીટભાઈ પરમારે પણ હાજરી આપી.

તેમની સાથે અમદાવાદ પશ્ચિમથી લોકસભા સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી અને અમદાવાદના ધારાસભ્યો શ્રી રાકેશભાઈ શાહ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ અનેશ્રી બલરામભાઈ થાવાણી પણ જોડાયા હતા.

‘ગુજરાતની શાંતિ અને સલામતી પોલીસકર્મીઓ સાચવે તેમના પરિવારને સરકાર સાચવશે’ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની આ બાહેંધરીને સાકાર કરતા અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓને રહેવા માટેની ઉત્તમ સુવિધા મળે તે હેતુથી અમદાવાદ શહેર ખાતે 3 નવી પોલીસ લાઈન બનાવી 240 જેટલા મકાનો બનાવાયા છે.

8 કરોડથી વધુના ખર્ચે ચાંદખેડા પોલીસ લાઈન, દેવજીપુરા પોલીસ લાઈન તથા વટવા પોલીસ લાઈનના આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં ફર્નિચર, લિફ્ટ, ગેસલાઈન, જનરેટર સહિતની અદ્યતન સુવિધાઓ સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામા આવી છે.

અમદાવાદ પોલીસ અને શહેરના યુવાનો માટે 86 લાખના ખર્ચે ક્રાઇમ બ્રાંચ ગાયકવાડ હવેલી ખાતે એકતા સ્પોર્ટસ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. આ એકતા ગ્રાઉન્ડનો કુલ વિસ્તાર 8501.61 ચોરસ મીટર છે.

ગ્રાઉન્ડમાં એક ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ અને કબ્બડી ગ્રાઉન્ડ બનાવાયું છે. ફૂટબોલ ગ્રાઉન્ડની ફરતે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ ગ્રાઉન્ડના ઉપયોગ થકી અમદાવાદના ખેલાડીઓની ક્ષમતા અને કૌશલ્યને વિકસીત કરવાની સાથે પોલીસ અને પ્રજા વચ્ચે મૈત્રી સેતુ પણ સ્થાપી શકાશે.

એકતા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અંગે વાત કરતા પશ્ચિમ અમદાવાદના સાંસદ શ્રી ડૉ. કિરિટ સોલંકીએ જણાવ્યું હતુ કે, એકતા ગ્રાઉન્ડ એ ધરોહર સમાન છે. વસંત-રજબની એકતાની હરહંમેશ યાદ અપાવતા સંકુલ નજીક નિર્મિત આ ગ્રાઉન્ડમાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરીને વિશ્વસ્તરે સારું પ્રદર્શન કરીને વસંત-રજબની એકતાનો સંદેશ વૈશ્વિક સ્તરે પહોંચાડશે.

અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી કિરીટ પરમારે જણાવ્યું કે, સમગ્ર અમદાવાદને કોમી એકતાનું ઉદાહરણ આ વિસ્તાર આપી રહ્યો છે. એકતા ગ્રાઉન્ડનો આશય નવી પેઢીનો શારીરિક અને માનસિક રૂપથી વિકસીત કરવાનો છે.

અમદાવાદ શહેરને મળેલી આ નવીનત્તમ ભેટના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ, એડમિન વિભાગના જેસીપી શ્રી અજય ચૌધરી સહિત વિવિધ ઝોનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ વિભાગના પોલીસકર્મચારીઓ અને વિસ્તારના સામાજીક આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.