Western Times News

Gujarati News

ઈરાને પાડોશી દેશ કુવૈત પર મિસાઈલ-ડ્રોન એટેક કર્યો

પ્રતિકાત્મક

મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારાં- -૫ વર્ષ અગાઉ ઈઝરાયેલે લેબેનોન ખાલી કર્યું હતું, પરંતુ આ વખતે ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં આવેલો બ્યુફોર્ટનો કિલ્લો કબજે કરી લીધો છે.

કુવૈત, મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે મોટો હુમલો કરી દીધો છે. આ અણધાર્યા હુમલા બાદ કુવૈતની સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે અને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કુવૈત ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, હુમલાને પગલે સમગ્ર દેશમાં યુદ્ધના સાયરેન વાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે અને તેઓ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. કુવૈતી સેનાએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને તાત્કાલિક એક્ટિવ કરી દીધી છે, જે દુશ્મન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે.

આ દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર સૈન્ય હુમલા કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડી રહેલા અમેરિકન સ્ઊ-૧ ડ્રોનને તોડી પાડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ ‘સેલ્ફ-ડિફેન્સ’ (સ્વ-બચાવ) હેઠળ ઈરાન પર મર્યાદિત એરસ્ટ્રાઈક કરી છે.

શનિવાર અને રવિવાર દરમિયાન કરાયેલા આ હુમલામાં અમેરિકન ફાઈટર એરક્રાફ્ટે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે વન-વે એટેક ડ્રોનને નષ્ટ કરી દીધા છે.

ઈરાનના ગોરુક વિસ્તાર અને કેશ્મ દ્વીપ પર આવેલા રડાર તેમજ ડ્રોન કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે.બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા નિષ્ફળ જતાં ઈઝરાયલે પણ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા તીવ્ર કરી દીધા છે. રવિવારે ઈઝરાયલ દ્વારા લેબનાન પર કરાયેલા જોરદાર હુમલામાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હોવાના અહેવાલ છે.

આ તરફ લેબનાનમાં તણાવ ઘટાડવા માટે અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઔન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે રાજદ્વારી વાતચીત કરી છે.અમેરિકાએ પ્રસ્તાવ મૂક્યો છે કે, પ્રથમ તબક્કામાં હિઝબુલ્લાહ ઈઝરાયલ પરના તમામ હુમલા બંધ કરે અને તેના બદલામાં ઈઝરાયલ બેરૂતમાં તણાવ વધારવાનું બંધ રાખે.

લેબેનોનના રાષ્ટ્રપતિ આ પ્રસ્તાવ માટે તૈયાર હતા, પરંતુ લેબેનોનની સંસદના અધ્યક્ષ નબીહ બેરીએ પહેલા ઈઝરાયલ પર હુમલા રોકવાનું દબાણ ઊભું કર્યું છે, જેના કારણે રાજદ્વારી ગતિરોધ હજુ યથાવત છે.

ઈરાન સામે શરૂ થયેલા યુદ્ધમાં અમેરિકાનો હાથ ઉપર હોવાનો અને ઈરાન પાસે પીસ ડીલ સ્વીકારવા સિવાય અન્ય કોઈ માર્ગ ન હોવાનો હુંકાર ટ્રમ્પે કર્યાે છે. પીસ ડીલ માટે ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન સાથે ખૂબ સારી સમજૂતીની નિકટ પહોંચ્યા છે, પરંતુ અપેક્ષિત પરિણામ ન મળે તો અમેરિકા અન્ય રીતે આ મુદ્દાનો અંત લાવશે. ઈરાને પોતાના નાગરિકોના અધિકારોનું રક્ષણ થાય તો ડીલ કરવા તત્પરતા બતાવી છે.

યુદ્ધનો અંત લાવવા ઈરાન-યુએસ વચ્ચે અઠવાડિયાઓથી વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ કોઈ નિષ્કર્ષ સુધી હજુ પહોંચી શકાયું નથી. રવિવારે ઈરાનના ટોચના નેગોશિએટર મોહમ્મદ બઘેર ઘલિબાફે કહ્યું હતું કે, ઈરાનના નાગરિકોના હિતોનું રક્ષણ સુનિશ્ચિત ન થાય તો ઈરાન કોઈ ડીલ કરશે નહીં. ટ્રમ્પે પુત્રવધૂ લારા ટ્રમ્પને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, અમેરિકા ખબ સારી સમજૂતીની નજીક છે. પરંતુ, વધારે ઉતાવળ કરવામાં આવશે તો બહેતર ડીલ થઈ શકશે નહીં.

ધીમે-ધીમે પરંતુ નિશ્ચિત રૂપથી અમેરિકાને જે જોઈએ છે, તે બધું જ મળી રહ્યું છે. અમેરિકાને અપેક્ષા મુજબનું ન મળ્યું તો અન્ય માર્ગે આ મુદ્દાનો અંત લવાશે.ઈરાનને સારા નેગોશિએટર ગણાવતા ટ્રમ્પે કહ્યું હતું, ઈરાનનું સૈન્ય નબળું પડી ગયું છે અને હવે આખી બાજી અમેરિકાના હાથમાં છે. અમેરિકા શાંતિથી વાત કરી રહ્યું છે, પરંતુ જરૂર જણાય તો સૈન્યને આખો મુદ્દો સોંપી દેવાશે. પરમાણુ શસ્ત્રો વિકસાવવાની કે ખરીદવાની કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરવા ઈરાને ખાતરી આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઈરાન અને યુએસ વચ્ચે અગાઉ થયેલી ડ્રાફ્ટ ડીલમાં ટ્રમ્પે ઘણાં ફેરફાર કરાવ્યા છે. તેમાં ખાસ કરીને પરમાણુ શસ્ત્રોને લગતી જોગવાઈ વધુ આકરી કરાઈ છે. ડ્રાફ્ટ ડીલમાં ફેરફાર થયા હોવાથી ડીલ માટેની વાટાઘાટોમાં સમય વધારે લાગી રહ્યો છે. ઈઝરાયેલી સેના લેબેનોનમાં ઘણાં ઊંડે સુધી ઘૂસવામાં સફળ રહી છે.

૨૫ વર્ષ અગાઉ ઈઝરાયેલે લેબેનોન ખાલી કર્યું હતું, પરંતુ આ વખતે ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં આવેલો બ્યુફોર્ટનો કિલ્લો કબજે કરી લીધો છે. દરિયાથી ૭૦૦ મીટરની ઊંચાઈએ આવેલા આ કિલ્લાથી લેબેનોન અને ઉત્તર ઈઝરાયેલ બંને દેખાય છે. પ્રાચીન સમયથી સૈન્ય દૃષ્ટિથી આ કિલ્લાનું વ્યૂહાત્મક મહત્ત્વ છે અને હવે ઈઝરાયેલ આ કિલ્લો ખાલી કરવા માગતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.