Western Times News

Gujarati News

બેંગકોકની પબમાં વિકરાળ આગ બાદ ધડાકો, ૨૭ લોકોના દર્દનાક મોત

થાઈલેન્ડમાં મોટી દુર્ઘટનાઆગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક ન મળી

ફાયર ફાઈટરોને પબના પાછળના ભાગમાં આવેલા રેસ્ટરૂમ માંથી અનેક લોકોના મૃતદેહ મળ્યાં

બેંગકોક,થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ઉત્તરી ભાગમાં આવેલા એક પ્રખ્યાત પબમાં સોમવારે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૭ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી.ઘટના સમયે પબમાં હાજર એક મ્યુઝિશિયનના જણાવ્યા અનુસાર, સ્ટેજની નજીક લાગેલા સર્કિટ બ્રેકરમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.

તેની ગણતરીની સેકન્ડોમાં જ આખા પબની લાઈટો ગુલ થઈ ગઈ અને એક જોરદાર ધડાકો સંભળાયો હતો. ધડાકા સાથે જ પબની અંદર કાળોટોપ ધુમાડો ભરાઈ ગયો હતો અને જોતજોતામાં આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું.આ અકસ્માતમાં સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્યો પબના પાછળના ભાગમાં જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરોને પબના પાછળના ભાગમાં આવેલા રેસ્ટરૂમ (વોશરૂમ) માંથી અનેક લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આગ અને ધુમાડાથી બચવા માટે લોકો પાછળ તરફ ભાગ્યા હતા, પરંતુ ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી શ્વાસ રૂધાવાને કારણે અને દાઝી જવાથી તેમના ત્યાં જ મોત નીપજ્યા હતા.

આ દુર્ઘટનાએ થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કોચિંગ સેન્ટરમાં લાગેલી આગની યાદ તાજી કરાવી દીધી છે. લખનઉમાં પણ વિદ્યાર્થીઓ આગથી બચવા માટે સેન્ટરના પાછળના ભાગમાં ભાગ્યા હતા અને નિકાસ દ્વાર ન હોવાને કારણે ૧૫ લોકોના મોત થયા હતા. બેંગકોકના આ ‘ના લાદપ્રાઓ’ પબમાં પણ ફાયર સેફ્ટીના અભાવે આવી જ મોટી બેદરકારી સામે આવી છે.

થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને ૨૭ લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. થાઈલેન્ડના નાઈટક્લબોમાં સુરક્ષાના નિયમોની અનદેખીનો ઇતિહાસ જૂનો છે. અગાઉ ૨૦૨૨માં એક મ્યુઝિક પબની આગમાં ૧૪ લોકોના મોત થયા હતા, જ્યારે ૧ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ એક નાઈટક્લબમાં નવા વર્ષની આતિશબાજી દરમિયાન લાગેલી આગમાં ૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.