બાળપણમાં છૂટા પડેલા ભાઈ બહેન ૪૨ વર્ષ બાદ ફરી મળ્યા

છૂટા પડેલા બહેનને યાદ હતું કે તેનો કોઈ નાનો ભાઈ છે જ્યારે ભાઈને તો તેની સાથે કોણ હતું એ ખબર જ નહતી
કોઈમ્બતૂર, ઘણી વખત ફિલ્મોમાં વર્ષો પહેલા કોઈ કારણસર છૂટા પડેલા ૨ પાત્રો કે પરિવારના મિલનની હૃદયસ્પર્શી કથા જાેવા મળતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના રિયલ લાઈફમાં પણ બની છે જેમાં બાળપણમાં દૂર થઈ ગયેલા ભાઈ-બહેન ડીએનએ ટેસ્ટિંગ ટેક્નોલોજીની મદદથી ૪૨ વર્ષ બાદ એકબીજાને મળી શક્યા છે.
આ સમગ્ર કથાની શરૂઆત કંઈક એવી છે કે, ૧૯૭૦ના દશકામાં મેરી કૈથરીન નામની એક મહિલા તમિલનાડુના કોઈમ્બતૂર ખાતે ‘બ્લુ માઉન્ટેન’ નામનું એક ચિલ્ડ્રન હોમ ચલાવતી હતી. તે સમયે અયાવુ અને સરસ્વતી નામના દંપતીએ તેમના વિજયા અને રાજકુમાર નામના બાળકોને એ ચિલ્ડ્રન હોમમાં છોડી દીધા હતા. બાદમાં ૧૯૭૯માં ડેનમાર્કના એક દંપતીએ રાજકુમારને દત્તક લીધો હતો અને તેનું નામ કેસ્પર એન્ડરસન રાખ્યું હતું.
આ તરફ એક અમેરિકન દંપતીએ રાજકુમારની બહેન વિજયાને દત્તક લીધી હતી અને તેનું નામ ડાએન વિજયા કોલ રાખ્યું હતું.ડાએનને યાદ હતું કે, તેને એક નાનો ભાઈ પણ છે પરંતુ કેસ્પર તો એટલો નાનો હતો કે, તેને કશું જ યાદ નહોતું. ડાએનના કહેવા પ્રમાણે તે જ્યારે ૩ વર્ષની હતી ત્યારે તેમની માતા તેમને પોતે ખાવાનું લેવા જાય છે તેમ કહીને બહાર જતી રહી હતી. ડોક્યુમેન્ટ્રીમાં ડાએન કહી રહી છે કે, હું રડી રહી હતી અને માને કહી રહી હતી કે મને મુકીને ન જશો. મેં માતાને ત્યારે છેલ્લી વખત જાેઈ હતી.
ડાએને જણાવ્યું કે, મને દત્તક લેનારા પરિવારે મારો ખૂબ જ સારી રીતે ઉછેર કર્યો પરંતુ હું મારી માતાને ભૂલી નહોતી શકી અને ભારત સાથે સંકળાયેલી યાદો પણ મારા મનમાં જીવંત હતી.આ તરફ કેસ્પરના કહેવા પ્રમાણે તેઓ ખૂબ નાની ઉંમરથી જાણી ગયા હતા કે, તેઓ જેપરિવાર સાથે રહે છે તે તેમનો પોતાનો પરિવાર નથી. તેઓ ભલે યુરોપમાં હતા પરંતુ તેમની ત્વચાનો રંગ તેમના મૂળ ભારત સાથે જાેડાયેલા હોવાની ચાડી ખાતો હતો.
કેસ્પર વર્ષ ૨૦૧૫માં અને ૨૦૧૯માં એમ ૨ વખત કોઈમ્બતૂર આવ્યા હતા. જે ચિલ્ડ્રન હોમમાંથી તેમને દત્તક લેવામાં આવેલા તે ઘણાં સમય પહેલા બંધ થઈ ગયું હોવાની જાણ થઈ હતી. ચિલ્ડ્રન હોમના સંચાલકો તેના સાથે સંકળાયેલા ફોટોગ્રાફ્સ સિવાય કોઈ જાણકારી નહોતા આપી શક્યા.
ત્યાર બાદ કેસ્પરના એક મિત્રએ તેમને ડીએનએ ટેસ્ટ કરાવવાનો આઈડિયા આપ્યો હતો. મિત્રએ કહ્યું હતું કે, એવી અનેક કંપનીઓ છે જે ડીએનએ ટેસ્ટ કરીને પોતાના સ્ટોરમાં રહેલા સેમ્પલ્સ સાથે તેનો મિલાપ કરતી હોય છે.આમ પોતાના પરિવાર અંગે વધારે જાણવાની આશાએ કેસ્પરે ‘એનસેસ્ટરી’ નામની એક ફર્મને પોતાના ડીએનએ સેમ્પલ્સ આપ્યા હતા.
કેસ્પરને શરૂઆતમાં કોઈ ઉત્સાહજનક પરિણામ નહોતું મળ્યું પરંતુ અમુક મહિનાઓ બાદ અમેરિકાના યુટા ખાતેથી માઈકલ નામના એક શખ્સે તેમને કોલ કર્યો હતો. માઈકલે કેસ્પરને તેમના ડીએનએ સેમ્પલ્સ અમુક હદે મળતા હોવાની માહિતી આપી હતી. હકીકતે માઈકલ અને કેસ્પર બંનેએ એક જ કંપનીને તેમના સેમ્પલ્સ આપ્યા હતા.
ડાએને જણાવ્યું કે, તેમનો દીકરો અમુક કામથી થોડા સમય માટે બેંગલુરૂ ગયો હતો અને તેણે ફોનમાં કહ્યું હતું કે, ‘મા મને તમારા અમુક સગાઓ મળ્યા છે.’ ડાએનને પોતાનો એક ભાઈ હોવાનું યાદ હતું પરંતુ શરૂમાં તેમને લાગ્યું કે, તેમના દીકરાને બીજું કોઈ સગું મળ્યું હશે. ડાએને કહ્યું હતું કે, ‘મને યાદ છે કે, હું જ્યારે ચિલ્ડ્રન હોમમાં હતી ત્યારે એક નાનો છોકરો પણ મારી સાથે હતો. હું જ્યારે તેને મળતી ત્યારે તેને ખાવાનું અને નાસ્તો આપતી હતી.’
લોકડાઉનના કારણે તેમને મળવા માટે વધારે રાહ જાેવી પડી હતી પરંતુ કેસ્પરના કહેવા પ્રમાણે ચિલ્ડ્રન હોમમાંથી તેને એક ફોટો મળ્યો હતો જેમાં તેણે પોતાની બહેનને સાથે ઉભેલી જાેઈ હતી. ત્યાર બાદ તેમના બંનેના ડીએનએ ૧૦૦ ટકા મળ્યા હતા. જાેકે ડીએનએ ટેસ્ટ એક ઔપચારિકતા જ હતી. તેમણે બંનેએ એકબીજા સાથે વાત કરી ત્યારથી જ તેમને તેઓ ભાઈ-બહેન હોવાની લાગણી અનુભવાઈ હતી.SS2KP