પતિના અફેરનો બદલો લેવા પત્નીએ ૪ વ્યક્તિઓને પૈસા આપી પ્રેમિકાનો બળાત્કાર કરાવ્યો

હૈદરાબાદ,હૈદરાબાદના કોંડાપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં મહિલા જ મહિલાની દુશ્મન બની છે. પતિ સાથે અફેરનો બદલો લેવા ગુસ્સે ભરાયેલી ગાયત્રી નામની મહિલાએ તમામ મર્યાદા ઓળંગી દીધી છે. આ કિસ્સો વિસ્તારમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. તેણે ચાર શખ્સોને પૈસા આપી પોતાના પતિની કથિત પ્રેમિકા પર બળાત્કાર કરાવ્યો હોવાનો આક્ષેપ થયો છે.
પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનાના મુળ સુધી પહોંચવાના પ્રયાસ થઈ રહ્યા છે.સમગ્ર જિલ્લાને હચમચાવી નાંખનાર આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, ગાયત્રી પોતાના પતિ અને પીડિતા સાથે કોંડાપુરની કોલોનીમાં રહે છે. ગાયત્રીનો પતિ શ્રીકાંત અને પીડિતા સિવિલ સર્વિસીસ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા, તે વખતે બંને પરિચયમાં આવ્યા હતા અને થોડા સમયમાં મિત્રો બની ગયા હતા.
આ દરમિયાન નાદુરસ્ત તબિયતને કારણે ગાયત્રીએ પીડિતાને કોંડાપુર સ્થિત તેના ઘરે તેની મદદ માટે બોલાવી હતી. જેથી પીડિતા ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી ગાયત્રીના ઘરમાં જ રહી હતી. આ દરમિયાન ગાયત્રીને તેના પતિ શ્રીકાંત અને પીડિતા બંનેના વર્તન પર શંકા ગઈ હતી અને તેણે ૨૪ એપ્રિલે આ સંદર્ભે ગચીબોવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને લઈને ગાયત્રીએ બદલો લેવા માટે શરમજનક પ્લાન ઘડી કાઢ્યો હતો. તેણે કેસ પાછો ખેંચવાના મામલે ચર્ચા કરવાના બહાને પીડિતા અને તેના પરિવારના સભ્યોને તેના ઘરે બોલાવ્યા હતા. થોડા સમય સુધી તેમની સાથે ચર્ચા કર્યા બાદ પૂર્વઆયોજિત રીતે ગાયત્રી પીડિતાને ઘરના બીજા રૂમમાં લઈ ગઈ હતી. જ્યાં પૈસા આપી રાખેલા ચાર શખ્સોએ પીડિતા પર હુમલો કર્યો હતો.
તેઓએ પીડિતાનું મો કાપડના ડૂચાથી બંધ કરી દીધુ હતું અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે ગાયત્રીએ આ ઘટનાને તેના મોબાઇલ ફોનથી રેકોર્ડ કરી હતી. ત્યારબાદ ગાયત્રીએ પીડિતાને આ ઘટના અંગે કોઈને કહેશે તો તે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી દેશે તેવી ધમકી આપી હતી.
આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ પીડિતાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેના પરિવારના સભ્યોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનામાં ગાયત્રી અને ચાર શખ્સો સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.hs2kp