વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ માટલા ફોડ્યા
વડોદરા,વડોદરા શહેરના દંતેશ્વર ગામમાં વચલા ફળિયામાં પાણીના સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ બુસ્ટર પંમ્પિંગ સ્ટેશન ખાતે આવી માટલા ફોડી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.વડોદરા શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીનો કાળો કકળાટ હજુ પણ યથાવત છે અને લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.
આજે દંતેશ્વર ગામ વચલા ફળિયામાં રહેતા રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. વારંવાર સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં, પણ જવાબદાર શાસકો અને અધિકારીઓ દ્વારા પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી.
અનેક વખત રજૂઆતો કરવા છતાં, પાણીનો પ્રશ્ન હલ ન થતાં રોષે ભરાયેલી ગૃહિણીઓએ દંતેશ્વર રામજી મંદિરથી મોરચા સ્વરૂપે નીકળી બુસ્ટર પંમ્પિંગ સ્ટેશન ખાતે આવી માટલા ફોડી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક શોભનાબેન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી આવતું નહોવાથી લોકોને વેચાણથી પાણી લાવી દિવસો પસાર કરવાનો વખત આવ્યો છે.વોટ લેવા આવવા દો, ખબર પાડી દઇશું.HS3KP