અમદાવાદમાં ચીલઝડપની વધતી ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ
નિકોલ નજીક એક્ટિવા પર જતાં યુવકને અટકાવી લુંટી લીધો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોના પગલે લોકો ખરીદી કરવા ઘરની બહાર નીકળી રહયા છે ખાસ કરીને મહિલાઓ ખરીદી કરવા માટે નીકળતી હોવાથી આ તકનો લાભ ચીલઝડપ કરતી ટોળકીઓ ઉઠાવી રહી છે. અને રોજ જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકી મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી રહી છે. શહેરના નિકોલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક્ટિવા પર પસાર થઈ રહેલા એક યુવકને આંતરીને તેના ગળામાંથી સોનાની ચેઈન લુંટી લુંટારુઓ ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. આ અંગે નિકોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ચોરી અને લુંટની ઘટનાઓ સતત વધી રહી છે. પોલીસની નિષ્ફળતાના પગલે હવે ચીલઝડપ કરતી ટોળકીઓ રીતસર નાગરિકોને લુંટી રહી છે.
ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં આવી ટોળકીઓ ત્રાટકતી હોય છે. શહેરના નિકોલ વિસ્તારમાં પણ આવો જ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. અમદાવાદને અડીને આવેલા સિગરવા ગામમાં બળીયાદેવ મંદિરની બાજુમાં રહેતા અજીતભાઈ ઠાકોર નામનો ર૩ વર્ષનો યુવક ગઈકાલે રાત્રે ૮.૩૦ વાગ્યાના સુમારે સીગરવા રોડ પર જુની સરકારી સ્કુલ પાસેથી પોતાનુ એક્ટિવા ચલાવી પસાર થઈ રહયો હતો આ દરમિયાનમાં રાત્રિના અંધકારમાં અચાનક જ એક શખ્સ રસ્તા પર દોડી આવ્યો હતો અને અજીતના એક્ટિવા આગળ આવી ઉભો રહી જતા અજીતે તેનું એÂક્ટવા ઉભુ રાખ્યુ હતું.
જાહેર રોડ પર જ રાત્રિના સમયે શખ્સ દોડીને એક્ટિવાની આગળ ઉભો રહી જતા અજીત પણ ગભરાયો હતો પરંતુ તેણે એક્ટિવા ઉભુ રાખ્યુ હતું આ દરમિયાનમાં જ આ અજાણ્યા શખ્સે અચાનક જ અજીતના ગળામાંથી સોનાની ચેઈન લુંટી લીધી હતી અને અજીત કશું સમજે તે પહેલા જ આ શખ્સ દોડીને પલાયન થઈ ગયો હતો. જાહેર રોડ પર જ એક્ટિવા ચાલક યુવકને લુંટી લેવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. આ અંગે નિકોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.