Western Times News

Gujarati News

દિવાળી આવતા જ શહેરમાં લુંટારૂઓ બેફામ

રતનપોળના નાકે જ સોનાના દાગીના બનાવતા કારીગરને બે લુંટારુઓએ લુંટી લીધોઃ પોલીસે સીસીટીવી કુટેજ મેળવવાના શરૂ કરેલા પ્રયાસો

(પ્રતિનિધિ) અમદાવાદ : પવિત્ર દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે અને બજારોમાં ઘરાકી પણ જાવા મળી રહી છે. દિવાળીના તહેવારો બાદ લગ્નની સીઝન પણ શરૂ થવાની છે ત્યારે સોના-ચાંદીના બજારમાં પણ ઘરાકી જાવા મળી રહી છે દિવાળીના તહેવારોના કારણે શહેરના મુખ્ય બજારોમાં ખરીદી કરવા માટે ભારે ભીડ ઉમટી પડી છે. આ પરિસ્પથિતિમાં તસ્કરો અને લુંટારુઓ લાભ ઉઠાવી રહયા છે.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સોની તથા તેઓના કારીગરોને લુંટી લેવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે. શહેરના સી.જી.રોડ પર સોનીને લુંટી લેવાની ઘટનામાં હજુ તપાસ ચાલુ છે ત્યાંજ શહેરના હાર્દસમાન રતનપોળના નાકે ગઈકાલે બપોરે લુંટારુઓ ત્રાટક્યા હતાં અને સોનાના દાગીના બનાવતા કારીગર પાસેથી સોનાનો જથ્થો લૂંટી પલાયન થઈ જતા સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતાં અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દિવાળીના પગલે મુખ્ય બજારોમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. દિવસભર બજારો ધમધમતા જાવા મળે છે. અમદાવાદ શહેરમાં અનેક મુખ્ય બજારો આવેલા હોવાથી રાજયભરમાંથી લોકો અહી ખરીદી કરવા આવે છે. શહેરના સી.જી.રોડ રિલીફ રોડ અને ગાંધી રોડ પર અનેક બજારો આવેલા છે અને દિવાળી પૂર્વે મોડી રાત સુધી આ તમામ બજારોમાં લોકોની ભારે ભીડ જાવા મળી રહી છે. તહેવારોના પગલે લુંટારુઓ અને તસ્કરો બેફામ બનવા લાગ્યા છે.

જેની સામે સાવચેતી રહેવા માટે પોલીસતંત્ર પણ અપીલ કરી રહયું છે પરંતુ હવે લુંટારુઓ બેફામ બની ગયા છે. તસ્કરોથી સાવધાની રાખતા નાગરિકોને હવે લુંટારુઓ લુંટી રહયા છે. અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી લુંટારુ ટોળકીઓ લુંટની ઘટનાને અંજામ આપે છે. શહેરના સી.જી.રોડ પર સોનીને લુંટી લેવાની ઘટના તાજેતરમાં બની હતી.
આ ઉપરાંત નાગરિકોના કિંમતી દાગીના પણ ચોરી લેવાની ઘટનાઓ વધવા લાગી છે. આ પરિસ્થિતિમાં શહેરના રતનપોળના ઝાંપે ગઈકાલે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. મુળ પશ્ચિમ બંગાળના અને અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા તથા સોનાના દાગીના બનાવતા કારીગર કિતાબુલ આઈજુલ શેખ રતનપોળમાં આવેલી એક દુકાનમાં દાગીના બનાવવાનું કામ કરે છે.

ગઈકાલે બપોરે જવેલર્સનો ફોન આવ્યો હતો અને તેણે કહયું હતું કે સોનાના દાગીના બનાવવાનો ઓર્ડર મળ્યો છે તેથી દુકાને આવીને સોનાની રણીઓ લઈ જા. ફોન પત્યા બાદ કિતાબુલે તેના પુત્ર શાહીલને દુકાન પર સોનુ લેવા માટે મોકલ્યો હતો. બપોરના ૧ર.૦૦ વાગ્યે શાહીલ તરત જ માણેકચોક વિસ્તારમાં ઘાંચીની પોળમાં આવેલા જવેલર્સને ત્યાં સોનુ લેવા નીકળ્યો હતો.

અંદાજે દોઢેક કલાક બાદ શાહીલ પરત ફર્યો હતો પરંતુ તે ખૂબ જ રડતો હતો. પુત્રને રડતો જાઈ કિતાબુલ ચોંકી ઉઠયા હતાં અને તેને પુછતા જ તે પોતે લુંટાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. શાહીલે જણાવ્યું હતું કે તે માણેકચોકમાંથી સોનાની રણીઓ લઈને પરત ફરી રહયો હતો ત્યારે રતનપોળના નાકે ટોપી પહેરેલા બે શખ્સો તેની નજીક આવ્યા હતાં તે પોતે કશું સમજે તે પહેલા જ એક શખ્સે તેના હાથ પકડી લીધા હતા અને બીજા શખ્સે તેના ખિસ્સામાંથી સોનાની રણીઓ ભરેલી થેલી લુંટી લીધી હતી.

આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કિતાબુલે તેમના શેઠને જાણ કરી હતી. રતનપોળ વિસ્તારમાં લોકોની ભારે ભીડ જાવા મળતી હોય છે અને ભર બપોરે ભીડની વચ્ચે શાહીલને લુંટી લેવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. ઘટનાની જાણ થતાં જ કાલુપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં અને શાહીલની પુછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. રતનપોળમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડેલા છે. શાહીલે જણાવ્યું હતું કે એક લુંટારુએ તેને સરનામુ પુછવા માટે રોકયો હતો અને ત્યારબાદ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

આ સમગ્ર હકીકત જાણ્યા બાદ પોલીસે તરત જ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. રતનપોળના નાકા પર જ ભરબપોરે સોનાના  દાગીના બનાવતા કારીગરને લુંટી લેવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા છે. જાકે આ વિસ્તારમાં પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોવાનો દાવો કરવામાં આવી રહયો છે તેમ છતાં લુંટની ઘટના બનતા હવે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. શાહીલના જણાવ્યા અનુસાર તે અંદાજે ૩.૮૦ લાખની કિંમતની સોનાની રણીઓ લઈને જવેલર્સને ત્યાંથી લઈને દુકાન તરફ આવવા નીકળ્યો ત્યારે બે લુંટારુઓએ રતનપોળના નાકે જ તેને આંતર્યો હતો. પોલીસે ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.