શીલજ ખાતે ૨૦ એકરમાં તૈયાર થશે, કૌશલ્ય યુનિવર્સિટીનું ભવન
જ્યાં શૈક્ષણિક સુવિધાઓ સાથે લેબોરેટરી, લાયબ્રેરી, રમત-ગમત મેદાન, વાહન વ્યવહારની સવલતો અને રહેણાંકને લગતી તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે.
રાજ્યની કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટીની વેબસાઈટ www.kaushalyaskilluniversity.ac.in અને એડ્મીશન પોર્ટલનો પ્રારંભ
૯ ડિગ્રી કોર્સ અને ૭૫ ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ઉપલબ્ધ-વિક્ટોરિયા યુનિ- મેલબોર્ન ઓસ્ટ્રેલિયા સાથે ઓનલાઈન MoU થયા- learning with earning અર્નિંગ આપવાનું લક્ષ્ય
KSU ને ભારતની આઈકોનિક યુનિવર્સિટી બનાવવાનું લક્ષ્યાંક- ડો.અંજુ શર્મા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનુ સ્વપ્ન છે ‘ભારતને આત્મનિર્ભર’ બનાવવું અને એ માટે દેશના યુવાનોને કૌશલ્ય થકી તાલીમબદ્ધ કરીને રોજગારી ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે રાજ્યમાં પ્રથમવાર “કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી”ની સ્થાપના થઈ રહી છે.
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત “કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી”ની સ્થાપના ઓક્ટોબર-૨૦૨૧ થી કરવામાં આવી છે.જેમા યુવા પેઢીને રોજગારલક્ષી વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ પુરુ પાડવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી ઓનલાઈન મળી શકે એ હેતુથી www.kaushalyaskilluniversity.ac.in નામની વેબસાઈટ અને ખાસ એડ્મીશન પોર્ટલ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે શરુ કરવામા આવ્યું.
આજ રોજ મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતાં મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ થકી ” કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી” ની સ્થાપના કરવામાં આવી છે.
જેમાં શિક્ષણના અભિગમ સાથે રોજગારીના સર્જન પર રાજ્ય સરકારનો વિશેષ મુખ્ય ઉદ્દેશ રહેલો છે.જેથી ઉદ્યોગો અને રોજગારી વચ્ચે સેતુબંધ બંધાય અને રાજ્યના નવયુવાનો સ્વરુચિ મુજબ વિવિધ પ્રકારના ઉદ્યોગોની તાલીમ મેળવે અને શિક્ષણ સાથે આવક પણ મેળવે. એથી learning with earning અર્નિંગ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ભારત સરકારના વર્તમાન બજેટમાં ડ્રોન ટેકનોલોજીના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે આ ટેક્નોલોજીને સાકાર કરવા માટેનો નિર્ધાર કર્યો છે અને તેથી રાજ્યના ITI કેન્દ્રો ખાતે ડ્રોનની તાલીમ અંગેના વિશેષ કોર્સ શરૂ કરાશે.અને યુવાનોને નિષ્ણાતો અને તજજ્ઞો દ્વારા કોચિંગ અને ટીચીંગ આપવામાં આવશે.
ખુબ જ ટૂંકા ગાળામાં અમદાવાદના શીલજ વિસ્તારમાં “કૌશલ્ય ધ યુનિવર્સિટીનું ભવન નિર્માણ પામશે તેમ જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અહીં ૯ પ્રકારના ડિગ્રી કોર્સ અને ૭૫ જેટલા સર્ટીફીકેટ કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને તાલીમ સાથે સ્ટાઇપેન્ડ પણ મળશે, કૌશલ્ય યુનિવર્સિટીએ સર્વાધિક સુવિધાઓ સાથેનું પરિમાણ સાબિત થશે એમ મંત્રી શ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું.
ભારતમાં અંગ્રેજોના જમાનાની શિક્ષણપ્રથામાં આમૂલ પરિવર્તન લાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ -2020 ની પોલિસી જાહેર કરી છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ યુનિવર્સિટીમાં સ્કીલ સાથે તેનું સંપૂર્ણ અમલવારી કરવામાં આવશે. રાજ્યના યુવાનો માટે નાનો -મોટો વ્યવસાય કરવાની અને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થશે.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવશ્રી ગાંધી શ્રમ સંસ્થાનના ડાયરેક્ટર જનરલ શ્રીમતી અંજુ શર્માએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનુ શ્રમિક કૌશલ્ય વિકાસનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેંદ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ થકી રોજગારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કૌશલ્ય યુનિવર્સિટીમાં માંગ અને રોજગાર આધારિત અભ્યાસક્રમ, તંદુરસ્ત આજીવિકાની તકો સાથેનુ સસ્તું શિક્ષણ, મજબૂત ઉદ્યોગ સાથે જોડાણ અને ભાગીદારી સાથે વહીવટી સંચાલન કરવામાં આવશે. હાલ આ યુનિ ની કામગીરી મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે કાર્યરત છે.
જેનું મુખ્ય નવું ભવન અમદાવાદમાં શીલજ ખાતે ૨૦ એકર જમીનમાં તૈયાર કરવામાં આવશે. જ્યાં શૈક્ષણિક સુવિધાઓ સાથે લેબોરેટરી, લાયબ્રેરી, રમત-ગમત મેદાન, વાહન વ્યવહારની સવલતો અને રહેણાંકને લગતી તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. ૯ નવ જેટલા ડિગ્રી કોષમાં 600 સીટ ઉપલબ્ધ છે અને ૭૫ જેટલા સર્ટિફિકેટ કોષમાં ૨૦થી ૨૫ હજાર વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થઈ શકશે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. દરેક કોષ બાદ યુવાનોને વિવિધ ઈન્ડસ્ટ્રીમાં રોજગારીનું સર્જન થઈ શકશે.
“કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી”ને ભારતની આઇકોનિક યુનિવર્સિટી બનાવવાનું રાજ્ય સરકારનું ધ્યેય છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન શ્રી એ દેશમાં વિવિધ ક્ષેત્રે ડ્રોનના વિવિધ ઉપયોગની જરૂરિયાતને જોતા દેશને ડ્રોન હબ બનાવવાની કરેલી હાકલના અનુસંધાને ગુજરાતે સ્કીલ યુનિવર્સિટીના એક ભાગ તરીકે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર ઉડાન અને ઉડાન મારફતે પ્રાપ્ત ડેટાના એનાલિસિસ માટેની સઘન તાલીમ પૂરી પાડવાનું આયોજન કર્યું હતું. આ પૈકી હાલમાં જેમણે તાલીમ લીધી છે એવા યુવાનો રાજ્યમાં બીજા નવા ડ્રોન ટ્રેઈનર તૈયાર કરશે. ગામડાંઓમાં ખેતી કામ તથા અન્ય હવાઈ સર્વેમાં ડ્રોન ખૂબ જ ઉપયોગી બની રહે છે એ જોતાં કૌશલ્ય યુનિવર્સિટીનો પ્રયાસ છે કે રાજ્યમાં ડ્રોન પાયલોટ અને ડોન ઉત્પાદન ક્ષેત્રે નવી રોજગારી ઊભી કરવામાં મહત્વનું યોગદાન આપવામાં આવશે.જે પૈકી ૯ પાયલોટ ઇન્સ્ટ્રક્ટરને મંત્રી શ્રી ના હસ્તે પ્રશસ્તિ પત્ર અપાયા હતા.
“કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી”માં વિવિધ ઉધોગોકારો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સંકાળાઈ છે તદુપરાંત વિક્ટોરિયા યુનિવર્સિટી -મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) સાથે ઓનલાઇન એમઓયુ થયા હતા.
આ પ્રસંગે “કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી”નો લોગો ડિઝાઇન તૈયાર કરનાર શ્રી હર્ષલ ભટ્ટનું પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કારથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના તાલીમ ડાયરેક્ટર શ્રી લલિતભાઈ નારાયણ,KSU ડાયરેક્ટર શ્રી સુનીલભાઈ શુકલા, રજીસ્ટાર શ્રી એચ.આર.સુથાર,ચીફ સ્કીલ કોઓર્ડિનેટર શ્રી પંકજભાઈ મિસ્ત્રી, એકેડમી ડાયરેક્ટર શ્રી જગદીશભાઈ જોષી, વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ અને અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન