વિપ્રોના સીઈઓ ડેલાપોર્ટનું વાર્ષિક પેકેજ લગભગ ૮૦ કરોડ રૂપિયા

નવી દિલ્હી, ટોચની બ્લૂચિપ કંપનીઓમાં સીઈઓને મળતા પગાર અને ભથ્થા હંમેશાથી ચોંકાવનારા રહ્યા છે. તેમાં પણ આઈટી કંપનીઓ તગડો પગાર આપવામાં સૌથી આગળ ગણાય છે.
તાજેતરમાં જુદી જુદી કંપનીઓએ તેમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સના પગારના આંકડા જાહેર કર્યા તેમાં વિપ્રોના સીઈઓ થિયેરી ડેલાપોર્ટ સૌથી આગળ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨માં ડેલાપોર્ટનું વાર્ષિક પેકેજ ૧૦.૫૧ મિલિયન ડોલર એટલે કે લગભગ ૮૦ કરોડ રૂપિયાનું હતું. આઇટી સર્વિસ કંપની વિપ્રોએ યુએસ કમિશનને આ આંકડા આપ્યા છે.આ સાથે ડેલાપોર્ટ ભારતના આઈટી સેક્ટરમાં સૌથી ઉંચો પગાર મેળવનારા એક્ઝિક્યુટિવ બન્યા છે. એક વર્ષ અગાઉ ડેલાપોર્ટનો વાર્ષિક પગાર ૮.૭ મિલિયન ડોલર અથવા ૬૪.૩ કરોડ રૂપિયા હતો. આ પગાર નવ મહિના માટે હતો કારણ કે તેઓ જુલાઈ ૨૦૨૦માં કંપનીમાં જાેડાયા હતા.
બેંગલુરુ સ્થિત વિપ્રોના ચીફ એક્ઝિક્યુટિવને પગાર તરીકે ૧૩.૨ કરોડ રૂપિયા (૧.૭૪ મિલિયન ડોલર) મળ્યા હતા જ્યારે કમિશન અને વેરિયેબ પે તરીકે તેમને ૧૯.૩ કરોડ રૂપિયા (૨.૫૫ મિલિયન ડોલર) ચુકવાયા હતા. અન્ય બેનિફિટ તરીકે તેમને ૩૧.૮ કરોડ રૂપિયા (૪.૨ મિલિયન ડોલર) મળ્યા હતા. જ્યારે બાકીની રકમ લોંગ ટર્મ બેનિફિટ અથવા ડિફર્ડ બેનિફિટ તરીકે હતી. તેમને અપાતા પેકેજમાં વન ટાઈમ કેશ એવોર્ડ પણ સામેલ છે જેને શેરહોલ્ડર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
અન્ય કંપનીઓના એક્ઝિક્યુટિવ્સની વાત કરીએ તો ઈન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સલીલ પારેખને નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૪૩ ટકાના પગાર વધારા સાથે ૭૧ કરોડ રૂપિયાનું પેકેજ અપાયું હતું. ટીસીએસના સીઈઓ રાજેશ ગોપીનાથનનું પેકેજ ૨૫.૭૭ કરોડ રૂપિયાનું હતું અને તેમાં ૨૭ ટકાનો વધારો થયો છે.
વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીને ગયા વર્ષમાં ૧.૮૨ મિલિયન ડોલરનું પેકેજ અપાયું હતું જ્યારે અગાઉના વર્ષમાં તેમનું પેકેજ ૧.૬૨ મિલિયન ડોલર હતું. એટલે કે તેમનો પગાર ૧૧.૮ કરોડ રૂપિયાથી વધીને ૧૩.૮ કરોડ રૂપિયા થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨માં રિશદ પ્રેમજીને કોઈ સ્ટોક ઓપ્શન અપાયા ન હતા.ss2kp