કર્મભૂમિ વડોદરાના મહેમાન બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વિશ્વ ગુરુ ભારતના ઘડતરના શિલ્પીને આવકારવા ચાલી રહી છે ચહુદિશ તડામાર તૈયારીઓ..
વડોદરા, હવે ૮ દિવસનો પ્રતીક્ષા કાળ બાકી છે.તે પછી તા.૧૮ મી જૂનના રોજ કર્મભૂમિ વડોદરાના મહેમાન બનવાના છે ગુજરાતના પનોતા પુત્ર કર્મયોગી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી.તેઓ હંમેશા ખૂબ ગર્વ સાથે વડોદરાની ઓળખ પોતાની કર્મભૂમિ તરીકે આપે છે અને વડોદરાના અદનામાં અદના લોકો સાથેના પોતાના અતૂટ સંબંધોને યાદ કરે છે ત્યારે વડોદરાના લોકો પણ હર્ષ અનુભવે છે અને પોરસાય છે.
એવા વિશ્વ ગુરુ ભારતના ઘડતરના શિલ્પી,વડોદરાના વ્હાલા નરેન્દ્રભાઇ મોદીને આવકારવા હાલમાં શહેરમાં ચારે દિશાઓમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન રાત દિવસના ભેદ વગર તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.
કારણ કે લોક લાડીલા વડાપ્રધાનને મળવા વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ,પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં થી મોટો માનવ મહેરામણ, શહેરના આજવા રોડ પર આવેલા લેપ્રસિ મેદાન પર ઉમટવાનો છે.આ મહેમાનોને યોગ્ય સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
સંગઠન અને વિવિધ સંસ્થાઓ આ તૈયારીઓમાં દિલથી યોગદાન આપી રહી છે.અદભૂત તાલમેલ અને ટીમ વર્કથી આ પ્રસંગને સફળ બનાવવાનો સંકલ્પ પ્રેરક બળ બની રહ્યું છે.
તેની કડી રૂપે ગુરુવારના દિવસે જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોરે બે મેરેથોન બેઠકો યોજી હતી.રાત્રિના ૧૧ વાગ્યા સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો અને તે પછી પણ મોડી રાત સુધી અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં વ્યસ્ત રહ્યાં હતા.
હાલમાં ૧૦ થી વધુ સમિતિઓ તેમને સોંપાયેલી જવાબદારીઓ પ્રમાણે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહી છે જેનું મોનીટરીંગ સ્થાનિક સ્તરના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવશ્રી ની કક્ષાએ થી સતત થઈ રહ્યું છે.
વડોદરા ઉપરાંત ચાર જિલ્લાઓમાં થી આવનારા લોકો માટે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં એસ.ટી.ઉપરાંત ખાનગી બસોનો ઉપયોગ કરવામાં આવશે.પરિવહનમાં ઉપયોગમાં લેવાની છે તેવી ખાનગી બસોનું ટ્રેકિંગ કરવા માટે વિશેષ એપનો ઉપયોગ થવાનો છે.સમગ્ર કાર્યક્રમના સંકલન માટે અલાયદું સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે.અદ્યતન ટેકનોલોજી અને આઇ.ટી.નો વિનિયોગ કરીને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કાર્યક્રમના સ્થળે મુખ્ય મંચ ઉપરાંત લોકોને બેસવા માટે જર્મન ટેકનોલોજી થી સાત મજબૂત અને મોકળા ડોમ બનાવવામાં આવી રહ્યાં છે. હાલમાં યુદ્ધના ધોરણે જરૂરી પૂર્વ તૈયારીઓ અને છેક ગ્રામ સ્તર સુધી સંકલિત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.