૫૦૦ જેટલા બોગસ ખેડૂતોને નોટિસ આપવામાં આવશે-મહેસૂલ મંત્રીએ આપ્યો સંકેત
વડોદરા, રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સંકેત આપ્યો કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નિકટ ભવિષ્યમાં પ્રજાલક્ષી ૧૯ જેટલા મહત્વના નિર્ણયો જાહેર કરશે અને મહેસૂલ વિભાગ ૫૦૦ જેટલા શંકાસ્પદ બોગસ ખેડૂતોને નિયમાનુસાર નોટિસ ફટકારશે.
વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા સયાજી નગર ગૃહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના યશસ્વી અને સબળ નેતૃત્વ હેઠળ ભારત સરકારની ૮ વર્ષની સિદ્ધિઓ, ગરીબ કલ્યાણ અને સેવા – સુશાસન ગૌરવ ગાથાને ઉજાગર કરવા યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ઉપરોક્ત સંકેત આપ્યો હતો.
યાદ રહે કે આજે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર સરકારની ૮વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ સરકારે પ્રજાના હિતાર્થે કરેલા કલ્યાણલક્ષી કાર્યક્રમોની વિગતવાર જાણકારી આપીને વિશાળ જન સમુદાયને કલ્યાણ યોજનાઓના લાભો લેવા માટે પ્રેરિત કરવાનો હતો.
પ્રાસંગિક સંબોધનમાં વડોદરા શહેરના મેયરશ્રી કેયુરભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે ભારત દેશના વિકાસ માં ગુજરાત રાજ્યના વિકાસનો બહુ મોટો ફાળો છે તથા મા કાર્ડ દ્વારા લોકોના આરોગ્યની સંભાળ લેવામાં ભારત દેશે વિશ્વના વિક્રમ સર્જ્યો છે.
અમારી સરકાર સર્વ સ્તરે કાયદા અને નિયમો,જોગવાઈઓને સરળ અને પારદર્શક બનાવીને લોકોને સુવિધા આપવા માટે સંકલ્પબદ્ધ છે, સૌનો સાથ સૌનો વિકાસ સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે તેમ જણાવતાં મહેસુલ અને કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે વલસાડ પાસેના પહાડી વિસ્તારમાં 200 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતા ગ્રામ વિસ્તારમાં ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિના માધ્યમથી પાણી પહોંચાડાયું છે. તેમજ કોરોનાકાળમાં ખુબજ કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું છે.
તેમણે કહ્યું કે આશરે ૭૦ હજાર લોકોને વિવિધ યોજનાકીય લાભો,જરૂરી પ્રમાણપત્રો,દાખલાઓ ઝડપ અને સરળતા થી પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે રાજ્ય સરકારના વરસાદી પાણીના સંગ્રહ માટેના વિશાળ અભિયાન અને તેના સારા પરિણામોની જાણકારી આપી હતી તથા ભારત સરકારની યોજનાકીય સિદ્ધિઓ જણાવી હતી.
વિશેષ રીતે આ કાર્યક્રમમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અફોર્ડેબલ હાઉસિંગ, આયુષ્માન કાર્ડ, પીએમ સ્વનિધી યોજના, પીએમ જીવન જ્યોતિ યોજના તથા પોષણ કીટ એનાયત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહીલે, વડોદરા શહેરના મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા, મહાનગર પાલિકાના કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ, કલેકટર શ્રી અતુલ ગોર, નાયબ મેયર શ્રી નંદાબેન જોશી,મહાનગર પાલિકાના પદાધિકારીઓ,નગર સેવકો અને અગ્રણીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા ની ઉપસ્થિતિ માં યોજાયો હતો. નગરજનો તેમજ વડોદરા શહેર, વિવિધ યોજનાના લાભાર્થીઓ તથા જિલ્લાની આશા વર્કર બહેનોએ ખુબજ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી.