Western Times News

Gujarati News

વરસાદથી રાજ્યભરમાં જુદા જુદા અકસ્માતના પગલે સાતનાં મોત

cyclone ahmedabad

અમદાવાદ, રાજ્યમાં આકરી ગરમીથી શેકાતા લોકોને રાહત આપતા સોમવારે આખરે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાજ્યમાં શનિવારની રાત અને રવિવારે અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જાેકે આ પહેલા જ વરસાદમાં રાજ્યભરમાં જુદા જુદા અકસ્માતના પગલે ૭ લોકોના મોત થયાનું પણ સામે આવ્યું છે.

જે પૈકી ચાર લોકોના મોત વીજળી પડતાં થયા હતા, જ્યારે મોરબી જિલ્લામાં વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત થયા હતા. ભારતના હવામાન વિભાગના ગુજરાત કેન્દ્રના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સોમવારે ગુજરાતમાં પ્રવેશ્યું હતું. સામાન્ય રીતે, રાજ્યમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ ૧૫ જૂન હોય છે. જાેકે આ વખતે ચોમાસુ બે દિવસ વહેલું આવી ગયું છે.”

રાજ્યમાં ચોમાસાના આગમન સાથે છેલ્લા કેટલાક દાયકામાં સૌથી વધુ ગરમ તેવા આ વર્ષના ઉનાળામાં શેકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગરમીમાં થોડી રાહત વળી હતી. વાત કરીએ અમદાવાદની તો શહેરમાં રવિવારની રાત્રે અને સોમવારે સવારના વરસાદે ખૂબ જ જરૂરી રાહત આપી છે.

શહેરના કેટલાક ભાગોમાં સોમવારે વહેલી સવારે ઝરમરથી હળવો વરસાદ નોંધાયો હતો. તો આ સાથે જ અકસ્માતોની પણ વણઝાર ઘટી હતી. જેમાં શહેરના આંબેડકર બ્રિજ પર ઘણા મુસાફરો ઓઇલ ઢોળાવાના કારણે લપસી ગયા હતા. તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જ્યારે શહેરમાં સોમવારે લગભગ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મહત્તમ તાપમાન ૩૪. ૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી નીચું તાપમાન છે. તેમજ ૨૦ એપ્રિલ પછી શહેરમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાનનો આ પહેલો દિવસ પણ હતો.

જ્યારે સોમવારે ૪૦ ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ભારતના હવામાન વિભાગ બુલેટિનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘દક્ષિણપશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાતના કેટલાક વિસ્તારો, સમગ્ર કોંકણ, મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, મરાઠાવાડા અને કર્ણાટકના મોટાભાગના ભાગ, તેલંગાણા અને રાયલસીમાના કેટલાક ભાગો, તમિલનાડુના કેટલાક વધુ ભાગ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળના વિસ્તારો અને બિહારના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે.’

તેમાં ઉમેર્યું હતું કે આગામી ૪૮ કલાકમાં ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અને ગુજરાત રાજ્ય સહિત દેશના અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.

આ સાથે ગુજરાત માટે હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ મંગળવારે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે.

જ્યારે સમગ્ર રાજ્યમાં સોમવારે સવારે ૬થી રાતના ૮ વાગ્યા સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં અડધા ઈંચથી અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં ૨.૭૫ ઈંચ, ગાંધીનગરના માણસામાં ૨.૫૫ ઈંચ, સુરેન્દ્રનગરના ચોટિલામાં ૨.૨૮ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ૧.૯૦ ઈંચ, પાટણના સિદ્ધપુરમાં ૧.૮૮ ઈંચ, ખેડાના નડિયાદમાં ૧.૬૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ ધોળકામાં ૦.૩૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર દરિયાકાંઠાના પટ્ટામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે મેઘરાજાની સવારી આવી તે પહેલા જ દિવસે રાજ્યમાં જાનમાલના નુકસાનના અહેવાલ પણ સાંપડી રહ્યા છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં હતાં. જેમાં ચાર લોકો વીજળી પડતાં મોત પામ્યા હતા. જ્યારે મોરબી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં એક પરિવારના ત્રણના મોત થયા હતા. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે પણ વરસાદ ચાલુ રહેતા ગરમીમાંથી મોટી રાહત મળી હતી.

જાે કે, રાજકોટ શહેર વરસાદના કારણે અરાજકતામાં ડૂબી ગયું હતું અને ભારે ટ્રાફિક જામ થયો હતો. સામાન્ય વરસાદમાં પણ શહેરના તમામ મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવ જાેવા મળ્યો હતો જેણે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી. તો જામનગર શહેરમાં પણ આવી જ સ્થિતિ જાેવા મળી હતી.

દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ભરાડા ગામમાં વીજળી પડતા ઢોર ચરાવતા ત્રણ વ્યક્તિઓ પૈકી એકનું મોત થયું હતું. મૃતકની ઓળખ બિખા ભરવાડ (૩૦) તરીકે થઈ હતી. જ્યારે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં પણ ઢોર ચરાવી રહેલા બે વ્યક્તિઓ પર વીજળી પડતા તેમના મોત થયા હતા. જેમની ઓળખ બાબુ હાલેપોત્રા (૨૮) અને સરદ્દીન હાલેપોત્રા (૨૭) તરીકે થઈ છે, બંને ખાવડાના રહેવાસી છે.

તેમજ મોરબીના સુંદરીભવાની ગામમાં એક પરિવારના ત્રણ વ્યક્તિઓ ખેતરમાં કામ કરવા દરમિયાન અચાનક વરસાદ અને ભારે પવન શરુ થતા તેમના ખેતરમાં બનાવવામાં આવેલ કામચલાઉ રૂમમાં આશ્રય લઈ રહ્યા હતા ત્યારે મકાનની દિવાલ તૂટી પડતા મૃત્યુ પામ્યા હતા.

મૃત્યુ પામેલાઓમાં વાઘજી દેગામા, તેમની પત્ની રાજુ અને નાના ભાઈ શીલાનો સમાવેશ થાય છે. ભારે વરસાદને કારણે આ ઘટના વિશે કોઈને જાણ ન થઈ હોવાથી તેઓને બચાવી શકાયા ન હતા. તો સતત વરસાદે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં પડેલા પાકને પણ નુકસાન પહોંચાડ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.