પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ લેવા તા.૩૦મી સુધીમાં અરજી કરી શકાશે
આણંદ, આણદ જિલ્લાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુકત જાતિઓના ઘરવિહોણા હોય તેવી વ્યકિતઓને રાજય સરકાર અને ગાંધીનગરની વિકસતી જાતિ કલ્યાણ કચેરીના નિયામક દ્વારા અમલી એવી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેવી વ્યકિતઓ અને સરકારશ્રીના ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા હોય તેવા જિલ્લાના જે લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર તા. ૩૦/૬/૨૦૨૨ સુધીમાં ઓનલાઇન જ અરજી કરવાની રહેશે અને અરજી સાથેના જરૂરી ડોકયુમેન્ટ (આધાર-પુરાવા) ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા જિલ્લાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુકત જાતિઓના વ્યકિતઓ મૂળ ગુજરાતના વતની હોવાની સાથે કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/-થી વધુ ન હોવી જોઇએ. જયારે આ અગાઉના વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ સમાજ કલ્યાણ વિભાગ કે ગુજરાત રાજયના અન્ય કોઇ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલી ન હોવી જોઇએ. વધુમાં આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઇ એક વ્યકિતને જ એક જ વાર મળવાપાત્ર છ
અરજદારે ઓનલાઇન અરજી પોતાના અથવા પોતાના કુટુંબના વ્યકિતનો મોબાઇલ નંબર આપવાનો રહેશે. જો અન્ય વ્યકિતનો મોબાઇલ નંબર આપેલો હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો અરજી રદ કરવામાં આવશે.
અરજદારે ઓનલાઇન કરેલ પોતાની અરજીનું સ્ટેટસ જાણવા esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ જોતા રહેવા તથા અરજીમાં સંપૂર્ણ માંગેલ વિગતો ભરવામાં નહીં આવી હોય અથવા અધૂરા દસ્તાવેજો હશે તો આવી અરજી આપોઆપ રદ (નામંજૂર) થશે જેની નોંધ લેવા આણંદ વિકસતી જાતિના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એ. વી. પરમારે એક યાદી દ્વારા જણાવ્યું છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવવામાં આવી છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારને ઓનલાઇન અરજી કરવા તથા જો વધુ માહિતીની જરૂર હોય તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) આણંદ, રૂમ નં. ૪૧૧, ચોથો માળ, જૂના જિલ્લા સેવા સદનનો સંપર્ક કરવાથી મળી શકશે તેમ જણાવી તેમણે વધુમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતું, ગુજરત રાજય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેવાની સાથે અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીની હોઇ આ અંગે કોઇ હકકદાવો કરી શકાશે નહીં તેમ જણાવ્યું છે.
—————–