Western Times News

Gujarati News

પ્રાકૃતિક કૃષિ પેદાશોમાંથી પૌષ્ટિક નાસ્તા બનાવીને કમાણી કરી રહ્યાં છે, આ મહિલા

પ્રાકૃતિક કૃષિથી પેદા થયેલા  ઘઉં, રાગી, બાજરો, ઓટ્સનાં લોટનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સ્વાસ્થ્યપ્રદ નાસ્તા બનાવે છે.

આત્મનિર્ભર બનતાં જ વધ્યો અનસૂયાબહેનનો આત્મવિશ્વાસ,  અન્ય 15 મહિલાઓને પોતાની સાથે જોડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા મથી રહ્યાં છે

એક સમય એવો હતો જ્યારે દસક્રોઈ તાલુકાના નાજ ગામનાં અનસૂયાબહેનમાં  ઘરથી બહાર એકલા નીકળવા જેટલો આત્મવિશ્વાસ પણ નહોતો. બાળપણથી તેઓ એવા સામાજિક માહોલમાં ઉછરેલાં કે બે-પાંચ માણસોની સામે ઊભા રહીને કોઈ મુદ્દે વાત કરવી કે ચર્ચા કરવી એમના માટે મહામુશ્કેલ કામ હતું.

પ્રાથમિક શાળા સુધી ભણી શકેલાં. ગુજરાતી લખવા-વાંચવા અને સાદી ગણતરી કરી શકવાની ક્ષમતા જ એમની મૂડી હતી.  માત્ર ગૃહિણી તરીકે જીવન જીવતાં અનસૂયાબહેન ની જિંદગીમાં સેવા સંસ્થાનો પ્રવેશ થયો અને તેમની દશા તેમજ દિશા બન્ને બદલાઈ ગયા.

અનસૂયાબહેન વર્ષ ૨૦૧૨થી સેવા સંસ્થામાં જોડાયાં અને ત્યાં તેમને રસોઇ કળા પસંદ હોવાથી કોઈ પણ પ્રકારનાં કેમિકલ કે રસાયણ નો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક રીતે ઉગાડેલી વસ્તુઓથી બનતાં નાસ્તા અને રસોઈ તથા બેકરી પ્રોડક્ટ્સ બનાવાની તાલીમ તેમણે મેળવી. આજે તેઓ વિવિધ પ્રકારની અને ગુણવત્તાયુક્ત બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. સેવા સંસ્થા તરફથી વખતોવખત માર્ગદર્શન અને મદદ કરવામાં આવે છે.

પ્રાકૃતિક વસ્તુઓથી બનતાં નાસ્તાના વ્યાપાર થકી અનસૂયાબહેન આજે આર્થિક રીતે આત્મનિર્ભર બની શક્યાં છે અને તેમની જિંદગી બદલાઈ ગઈ છે. આત્મનિર્ભર બન્યા પછી તેમનો વધેલો આત્મવિશ્વાસ નોંધનીય છે. રસોઈમાં તેઓ આગવી કળા ધરાવે છે. તેઓ આ ક્ષેત્રમાં આગળ વધી પોતાની અલગ ઓળખાણ બનવવા પ્રયત્નશીલ છે.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અનસૂયાબહેને અન્ય મહિલાઓના સહયોગથી નાસ્તાનો ગૃહ ઉધોગ શરૂ કર્યો છે. ‘રૂડીકમલા’ના નેજા  હેઠળ ૧૫ લોકોની ટીમ મળીને પ્રાકૃતિક નાસ્તાના ઉત્પાદન તથા વેચાણની કામગીરી સંભાળે છે. આ બહેનો પ્રાકૃતિક કૃષિથી પેદા થયેલા  ઘઉં, રાગી, બાજરો, ઓટ્સનાં લોટનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સ્વાસ્થ્યપ્રદ નાસ્તા બનાવે છે.

આ બધા ધાન્ય એકદમ રસાયણમુક્ત રીતે તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે તેમજ આ ધાન્યોનાં લોટથી નાસ્તાની બધી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ઘરે ઘરે તથા શેરીઓ, સોસાયટીમાં, કચેરીઓમાં ફરીને અનસૂયાબહેનનાં સાથીદારો આ નાસ્તાનું વેચાણ કરે છે.

૧૨ થી ૧૩ હજારની માસિક આવક કમાતા અનસુયાબેન માને છે કે મહેનત તથા પરિશ્રમનો કોઈ તોડ નથી હોતો અને તેવું અનસૂયાબહેન તથા તેમના જેવી બીજી મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે.

તાજેતરમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા અમદાવાદના અંજલિ ચાર રસ્તા નજીક પ્રારંભ કરાયેલા કર્ણાવતી પ્રાકૃતિક બજાર-૨૦૨૨માં ‘આગેવાન બહેન’ તરીકે અનસૂયાબહેનની વાતો અને વિચારો આનંદની લાગણી પ્રેરે એવા હતા.

સેવા ગ્રામ મહિલા સંસ્થા અંતર્ગત ચાલતી આ કામગીરીમાં બહેનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આત્મનિર્ભર મહિલાઓ થકી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘ આત્મનિર્ભર ભારત’નું સ્વપ્ન સાકાર થશે. વડાપ્રધાનશ્રીનું આ સપનું સાકાર કરવા અસૂયાબહેન જેવી અનેક મહિલાઓ પ્રયાસરત છે.  આલેખનઃ શ્રદ્ધા ટીકેશ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.