અંગદાતાના પરિવારજનોનું ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને સન્માન કરાયું
રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા
સ્વજનના અવસાનની દુઃખની ઘડીમાં પણ અંગદાનનો ઉત્કૃષ્ટ નિર્ણય,બીજાના ભલાનો વિચાર કરવો તે પ્રશંસાપાત્ર
અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
મુખ્યમંત્રીશ્રીએ SOTTOના સભ્યો અને અંગદાન ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાના કર્મચારીઓનું પણ સન્માન કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અંગદાન ટીમ વર્કથી થતું કામ છે.અંગદાતા વ્યક્તિના પરિવારજનો,તબીબો,વહીવટી તંત્ર સૌ સાથે મળીને,એક વિચાર એક લક્ષ્યથી અંગદાનનું કામ પાર પાડતા હોય છે. જેને પરિણામે જરૂરતમંદ વ્યક્તિને નવું જીવન મળતું હોય છે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા છે,પહેલા કરતા વધુ જાગૃતિ આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓર્ગન ડોનર- અંગદાતા પરિવારજનોનું ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને આયોજીત સમારોહમાં સન્માન કર્યું હતું.
આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે,મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોની લાગણી- ભાવનાનું વર્ણન થઈ શકે નહીં,તે શબ્દોથી પર હોય છે. આવી દુઃખની ઘડીમાં અંગદાનનો ઉત્કૃષ્ટ નિર્ણય લેવો,બીજાના ભલાનો વિચાર કરવો તે પ્રશંસાપાત્ર છે.
મુખ્યમંત્રીશ્રીએ અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે-સાથે અંગદાન બાબતે બીજાને પ્રેરણા આપતા રહેવાની હિમાયત પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અંગદાન ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાના કર્મચારીઓ અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ( SOTTO)ના સભ્યોનું પણ સન્માન કર્યું હતું.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના વડા શ્રી દિલીપ દેશમુખે કહ્યું કે, એક પરિવારનો દિપક ઓલવાય ત્યારે અંગદાનનો નિર્ણય બીજા અનેક કુળદિપકને પ્રજ્વલીત કરતો હોય છે. શ્રી દેશમુખે અંગદાતાના પરિવારજનોનું સ્વાગત કરી તેમને બિરદાવવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ શ્રી રાકેશ જોષીએ અંગદાતા પરિવારજનોનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે,અમદાવાદ સિવિલ કેમ્પસમાં સ્થિત સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ની કામગીરીને પરિણામે ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, ઉપરાંત અંગદાન બાબતે લોકોમાં વ્યાપક જાગૃતિ પણ આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગત ૧૬ મહિનામાં અંદાજે ૭૪ વ્યક્તિના ૨૩૪ અંગોનું દાન મળ્યું છે જેના પગલે ૨૧૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
સન્માન સમારોહ અવસરે રાજ્ય મંત્રી શ્રી વિનુભાઇ મોરડીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સોટ્ટો તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ તબીબો, અધિકારીશ્રીઓ અને અંગદાતા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.